અમદાવાદ: વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જેને મળ્યો છે એ અમદાવાદનો 614મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. કોટની રાંગ અને દરવાજાઓથી બહાર જઈ અમદાવાદ આજે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે.ઐતિહાસિક સ્મારકો, સાબરમતી પર રિવરફ્રન્ટ, સી.જી.રોડ, આશ્રમ રોડ, એસ.જી.હાઈવે, રિંગ રોડ સાથે અમદાવાદ ચારે તરફ વીસ કિલોમીટર સુધી વિકસી રહ્યું છે. ગુજરાતના આ અનોખું અને આર્થિક નગર અમદાવાદની તસવીરી ઝલક..પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.
અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો અને તેણે નવી રાજધાની 4 માર્ચ 1411ના રોજ નક્કી કરી હતી.
ઈ.સ. 1487માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ 10 કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં 12 દરવાજા અને 189 પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.
ઈ.સ. 1553માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.
ત્યારબાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું.
મુગલકાળ દરમ્યાન અમદાવાદ રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું.
મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ 1758 સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું.
મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં.
કાપડની મિલોને કારણે અમદાવાદ ‘પૂર્વનું માન્ચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે 1960થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે.
2011ની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદની વસ્તી 56,33,927 હતી. જે અમદાવાદને ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું પાંચમા ક્રમનું શહેર બનાવે છે.
શહેરના વ્યાપને ગણતા અમદાવાદની વસ્તી 63, 57, 693ની હતી, જો કે હાલમાં વસ્તીની સંખ્યામાં અને શહેરના ક્ષેત્રફળમાં મોટો વધારો થયો છે, જો કે તેના સત્તાવાર આંકડા સામે આવ્યા નથી.
વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ અમદાવાદ, ઇતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે. આ શહેરમાં સદીઓ જૂની મસ્જિદોનું સ્થાપત્ય જોવા જેવું છે.
અમદાવાદ શહેર બે શહેરોમાં વહેંચાયેલું છે. આ વિભાજન સાબરમતી નદીને કારણે છે. આ નદી શહેરને બે ભાગમાં વહેંચે છે.
અમદાવાદ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંના એક તરીકે વિકસ્યું છે. ગાંધીજીની ભૂમિ આધુનિક અને મધ્યયુગીન યુગના એકસાથે વિકાસનું એક અગ્રણી ઉદાહરણ છે.
અમદાવાદ એક સ્ટાર્ટઅપ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે. આ શહેર BRTS, મેટ્રો અને સ્થાનિક બસ સેવાઓ જેવા જાહેર પરિવહન માટે પણ જાણીતું છે. અમદાવાદનું ભોજન અને તેની સંસ્કૃતિ સાથેનું જોડાણ તેને એક અલગ ઓળખ આપે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
