મુંબઈ: ટીમ ઈન્ડિયાના પૂર્વ સલામી બેટમેન અને માસ્ટર બ્લાસ્ટરના નામથી જાણીતા સચિન તેંડુલકર આજે એટલે કે 24 એપ્રિલના રોજ 51 વર્ષના થયા છે. પોતાની કરિયર દરમિયાન સચિને બનાવેલા મહારેકોર્ડ વિશે બધાં જાણે છે, જે રેકોર્ડને આજે પણ કોઈ તોડી શક્યુ નથી. તેમના નામ પર 100 સદીઓનો રેકોર્ડ છે, જેનો તોડવો ખુબ મુશ્કેલ લાગી રહ્યો છે. ક્રિક્રેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના શ્રેષ્ઠ પ્રદર્શન વિશે તો લગભગ બધા જાણે જ છે. પણ આજેઆપણે સચિનની એ હકિકતો જાણીએ જે કદાચ તમને ખબર નહીં હોય.
આ રીતે પડ્યુ સચિન નામ
સચિનનું નામ બોલિવૂડના મહાન સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી તેના પિતા રમેશ તેંડુલકરે રાખ્યું હતું કારણ કે તે સચિન દેવ બર્મનના મોટા પ્રશંસક હતા.
1987ના વર્લ્ડ કપમાં બૉલ બૉય તરીકે કર્યુ કામ
1987નો વર્લ્ડ કપ સેમી ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયો હતો અને આ મેચમાં સચિન તેંડુલકર બૉલ બૉય હતાં. તે સમયે તેની ઉંમર 13 વર્ષની હતી.ત્યાર બાદ તે જ મેદાન પર તેમણે દિગ્ગજ ખેલાડીઓ સાથે મેચ રમી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી અને પછી આ જ મેદાનમાં સચિને વર્લ્ડ કપ ટાઈટલ જીતવાનું ગૌરવ હાંસલ કર્યુ.
પાકિસ્તાન માટે કરી ચૂક્યા છે ફિલ્ડિંગ
ઘણાં લોકોને ખબર નહીં હોય કે સચિન તેંડુલકર પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી ફિલ્ડિંગ કરી ચૂક્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1988માં એક વોર્મ મેચ રમાઈ હતી. આ મેચમાં સબ્સીટ્યુટ તરીકે સચિન તેંડુલકરે પાકિસ્તાન તરફથી ફિલ્ડિંગ કરી હતી.
માત્ર 14 વર્ષની ઉંમરે રમી રણજી ટ્રોફીની મેચ
તમને જાણીને નવાઈ લાગશે કે સચિન તેંડુલકરે પોતાનું રણજી ડેબ્યુ માત્ર 14 વર્ષની ઉંમરમાં કર્યુ હતું. આ મેચ રમનાર તે સૌથી યુવા ખેલાડી હતા.
ભારત રત્ન મેળવનાર પહેલા ભારતીય ખેલાડી
સચિન તેંડુલકર ભારતના પ્રથમ એવા ખેલાડી છે જેમને ભારત રત્નથી નવાઝવામાં આવ્યા છે. વર્ષ 2014માં તેમને દેશના સૌથી મોટા નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
20 વર્ષના થતાં પહેલાં સચિને પાંચ ટેસ્ટ સદી ફટકારી હતી, જે એક વિશ્વ રેકોર્ડ છે. સચિન તેંડુલકર રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂકયા છે.