ટોચના ઉદ્યોગપતિઓ CM ઉદ્ધવ ઠાકરેને મળ્યા…

રતન ટાટા, મુકેશ અંબાણી, ઉદય કોટક, એસ.પી. હિન્દુજા, આનંદ મહિન્દ્ર, હર્ષ ગોએન્કા, અદી ગોદરેજ, ગૌતમ સિંઘાનિયા, દીપક પારેખ, બાબા કલ્યાણી સહિત ટોચના ઉદ્યોગપતિઓ 7 જાન્યુઆરી, મંગળવારે મુંબઈમાં સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ બેઠક મહારાષ્ટ્ર રાજ્યના આર્થિક વિકાસમાં તેજી લાવવા અને રાજ્યના અર્થતંત્રને 2025ની સાલ સુધીમાં ટ્રિલિયન ડોલરના સપનાને સાકાર કરવામાં ઉદ્યોગજગતનો સહયોગ મેળવવા અંગેની હતી. આ બેઠકનું આયોજન અગ્રગણ્ય ઉદ્યોગ સંસ્થા CIIના સહયોગમાં કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના બનેલા ગઠબંધન ‘મહાવિકાસ આઘાડી’ની સરકાર છે.

મુખ્ય પ્રધાન બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ આ પહેલી જ વાર ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં ઠાકરેએ રાજ્યના વિકાસ માટે પોતાની સરકારની ભૂમિકાની રજૂઆત કરી હતી અને વર્તમાન આર્થિક સ્થિતિ તેમજ આર્થિક વિકાસ અંગે ઉદ્યોગપતિઓ પાસેથી એમના વિચારો જાણ્યા હતા.

આ બેઠકમાં મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દેશના આર્થિક વિકાસમાં મહારાષ્ટ્ર રાજ્યનું મોટું યોગદાન રહ્યું છે. દેશના GDP દરમાં મહારાષ્ટ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આમાં ઉદ્યોગ ક્ષેત્રનો મોટો હિસ્સો છે.