‘દુબઈ એર શો’માં ભાગ લેવા પહોંચી ગયા છે હવાઈ દળના તેજસ, સૂર્યકિરણ, સારંગ

દુબઈમાં અલ મખ્તૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 14-18 નવેમ્બરે યોજાનાર ‘દુબઈ એર શો’માં ભાગ લેવા માટે ભારતીય હવાઈ દળે યુદ્ધવિમાન ‘તેજસ’ તથા ‘સૂર્યકિરણ’ વિમાન એરોબેટિક્સ ટીમ અને ‘સારંગ’ હેલિકોપ્ટર એરોબેટિક્સ ટીમના કાફલાને દુબઈ મોકલ્યા છે. દુબઈ એરશોમાં અવકાશી કવાયતનું પ્રદર્શન કરવા માટે એરોબેટિક્સ ટીમને ભાગ લેવાનું યૂએઈ સરકાર તરફથી ભારતીય હવાઈ દળને આમંત્રણ મળ્યું હતું જેનો હવાઈ દળે સ્વીકાર કર્યો છે. હવાઈ દળે 18મી સ્ક્વોડ્રનમાંથી ત્રણ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ મોકલ્યા છે, જેના જવાનો આ વિમાનમાં સવાર થઈને એરોબેટિક્સ અને સ્ટેટિક ડિસ્પ્લે કરશે. ‘સારંગ’ ટીમના જવાનો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા નિર્મિત પાંચ અત્યાધુનિક ‘ધ્રુવ’ હેલિકોપ્ટરોમાં સવાર થશે. દર બે વર્યે યોજાતા દુબઈ એરશોમાં ભારતીય હવાઈ દળ પહેલી જ વાર ભાગ લઈ રહ્યું છે. ભારતીય કાફલાનું યૂએઈ સશસ્ત્ર દળોના મેજર જનરલ સ્ટાફ પાઈલટ ઈશાક સાલેહ મોહમ્મદ અલ-બાલુશીએ સ્વાગત કર્યું હતું. આ એરશોમાં સાઉદી અરેબિયા, રશિયા, યૂએઈ સહિત અનેક દેશોના હવાઈ દળોની એરોબેટિક ટીમો પણ ભાગ લેવાની છે.

(તસવીર સૌજન્યઃ @SpokespersonMoD, @HALHQBLR, @PRODefNgp)