રતન ટાટા ‘આસામ વૈભવ એવોર્ડ’થી સમ્માનિત

સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર 19 મહાનુભાવનું આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ રાજ્યના ત્રણ સર્વોચ્ચ નાગરિક એવોર્ડ એનાયત કરીને સમ્માન કર્યું છે. પાટનગર ગુવાહાટીમાં 24 જાન્યુઆરી, સોમવારે આયોજિત કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રતન ટાટાનું ‘આસામ વૈભવ એવોર્ડ’ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. કોરોનાવાઈરસને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે 84-વર્ષીય રતન ટાટા એવોર્ડ સમારોહમાં હાજર રહી શક્યા નહોતા. એમના વતી એમના એક પ્રતિનિધિએ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વ સર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય મહાનુભાવોને ‘આસામ સૌરવ એવોર્ડ’ અને ‘આસામ ગૌરવ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા. ‘આસામ વૈભવ એવોર્ડ’ એક પ્રશસ્તિપત્ર, એક મેડલ અને રૂ. પાંચ લાખની રોકડ રકમમાં અપાય છે. ‘આસામ સૌરવ’માં રૂ. ચાર લાખ અને ‘આસામ ગૌરવ’માં રૂ. 3 લાખની રોકડ રકમ ઈનામસ્વરૂપે અપાય છે.

ઓલિમ્પિક્સમાં મહિલાઓની બોક્સિંગ રમતમાં કાંસ્ય મેડલ જીતનાર લવલીના બોર્ગોહેનને ‘આસામ સૌરવ એવોર્ડ’ અપાયો હતો.