હેરી-માર્કલનાં લગ્નમાં પ્રિયંકા હાજર રહી…

બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયનાં પૌત્ર અને પ્રિન્સ ઓફ વેલ્સ તથા સ્વર્ગીય પ્રિન્સેસ ઓફ વેલ્સ લેડી ડાયનાનાં પુત્ર પ્રિન્સ હેરીએ 19 મે, શનિવારે લંડનમાં વિન્ડસર કેસલ ખાતે સેન્ટ જ્યોર્જિસ ચેપલ ખાતે ભૂતપૂર્વ અમેરિકન અભિનેત્રી અને ગર્લફ્રેન્ડ મેઘન માર્કલ સાથે લગ્ન કર્યાં હતાં. આ પ્રસંગે બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ હાજર રહી હતી. એ મેઘન માર્કલની સહેલી છે. પ્રિન્સ હેરીનાં અણવર બન્યા હતા એમના સગા ભાઈ પ્રિન્સ વિલિયમ. લગ્ન સમારંભમાં પ્રિન્સ ચાર્લ્સનાં બીજા પત્ની કમિલાનાં પ્રથમ પતિથી થયેલા પુત્ર ટોમ પાર્કર બોવલ્સ, કેટ મિડલટનની બહેન પીપા અને એમનાં માતા-પિતા સ્વર્ગીય લેડી ડાયનાનાં ભાઈ અર્લ ચાર્લ્સ સ્પેન્સર હાજર રહ્યાં હતાં. મેઘન માર્કલનાં પિતા થોમસ માર્કલ નાદુરસ્ત તબિયતને કારણે લગ્નમાં હાજર રહી શક્યા નહોતા. લગ્ન સમારંભમાં આમજનતામાંથી આમંત્રિત 1200 જણ પણ હાજર રહ્યા હતા. આ લગ્ન સરકારી પ્રસંગ ન હોવાથી બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મે હાજર રહ્યાં નહોતાં. પ્રિન્સ હેરીના સ્વર્ગીય માતા ડાયનાનાં બહેન લેડી જેન ફેલોવીઝે લગ્નનું નિવેદન વાંચી સંભળાવ્યું હતું. લગ્ન બાદ સેન્ટ જ્યોર્જીસ હોલ ખાતે રાણી તરફથી તમામ 600 મહેમાનો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કલનાં આ બીજાં લગ્ન છે. તે આ પહેલાં 2011-2013 સુધી નિર્માતા ટ્રેવર ઈન્ગલ્સનને પરણી હતી.