મુંબઈ એરપોર્ટના બીજા રનવે પર બિછાવાઈ ડામરની નવી ‘કાર્પેટ’

મુંબઈમાં અદાણી ગ્રુપની માલિકીના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બીજા (પૂરક) રનવેને સુરક્ષિત અને સક્ષમ બનાવવા માટે તેની પર ડામરના રી-કાર્પેટિંગનું કામ પૂરું થઈ ગયું છે. એન્જિનિયરો અને કામદારો સહિત 200 જણના સ્ટાફે દરરોજ 12 કલાક સુધી કામ કરીને આ પ્રોજેક્ટ નિર્ધારિત મહેતલની અંદર પૂરો કરી બતાવ્યો છે.

ચોમાસું બેસે એ પહેલાં આ કામ પૂરું કરવાનું હતું. રીકાર્પેટિંગ કામ 2022ની 9 ડિસેમ્બરે શરૂ કરવામાં આવ્યું હતું અને 10 જૂન, 2023ના રોજ પૂરું કરી દેવામાં આવ્યું છે.

હવે સેકન્ડરી રનવે પર રીકાર્પેટિંગ કામકાજ પૂરું થઈ જતાં વિમાન કામગીરીઓ સરળ અને સક્ષમ રીતે થશે.

રનવેની લંબાઈ 2,210 મીટર છે અને પહોળાઈ 75 મીટર છે. રનવેના અપગ્રેડેશન-રીકાર્પેટિંગ માટે આશરે 72,500 ટન ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના બે રનવેની ગણના વિશ્વમાં સૌથી વ્યસ્ત સિંગલ-ક્રોસઓવર રનવેમાં કરવામાં આવે છે. મુખ્ય રનવે 09/27 અને પૂરક રનવે 14/32 પર દરરોજ 950 ફ્લાઈટ્સનું આગમન-પ્રસ્થાન થાય છે. વિમાનોનું લેન્ડિંગ અને ટેકઓફ્ફ સુરક્ષિત બની રહે એ માટે આ બંને રનવેને સતત મજબૂત સ્થિતિમાં રાખવાનું અનિવાર્ય છે.