કચ્છમાં સીમા સુરક્ષા દળે તેની કેમ્પ્સમાં ગામવાસીઓને આશરો આપ્યો

અતિ ભયાનક એવું દરિયાઈ વાવાઝોડું ‘બિપરજોય’ 15 જૂન, ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ જિલ્લા અને સૌરાષ્ટ્ર પ્રદેશ વિસ્તારોમાં ત્રાટક્યું હતું. એને કારણે અસરગ્રસ્ત સ્થળોએ અતિશય વેગ સાથે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. સમુદ્રકાંઠે વસેલા ગામડાઓને સરકારે અગમચેતી વાપરીને અગાઉથી જ ખાલી કરાવ્યા હતા અને હજારોની સંખ્યામાં રહેવાસીઓનું સુરક્ષિત સ્થળાંતર કર્યું હતું. કચ્છમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ) દ્વારા તેની છાવણીમાં ગામવાસીઓને સુરક્ષિત આશરો આપ્યો હતો એટલું જ નહીં, પરંતુ એમને પીવાના પાણી, ભોજન તથા મેડિકલ સેવા-દવાઓ પણ પૂરી પાડી હતી. ઠુમરી અને વાલાવરીવાંડ ગામોનાં આશરે 150 જેટલા લોકોને બીએસએફ છાવણીમાં આશરો આપવામાં આવ્યો હતો. એમાં વરિષ્ઠ નાગરિકો, બાળકો, પુરુષો અને મહિલાઓનો સમાવેશ થાય છે.