‘મિસ સાઉથ આફ્રિકા’ ઝોઝીબિની ટૂન્ઝી બની નવી ‘મિસ યુનિવર્સ’…

સાઉથ આફ્રિકાની સુંદરી ઝોઝીબિની ટૂન્ઝીએ 2019ના વર્ષ માટેનો 'મિસ યુનિવર્સ'નો તાજ જીત્યો છે. 8 ડિસેંબર, રવિવારે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના પાટનગર એટલાન્ટાના ટાઈલર પેરી સ્ટુડિયોઝ ખાતે આયોજિત મિસ યુનિવર્સ-2019 સૌંદર્ય સ્પર્ધામાં ટૂન્ઝી વિજેતા બની હતી.


આ સ્પર્ધામાં પ્રથમ રનર-અપ બની હતી પ્યુએર્ટો રિકોની મેડિસન એન્ડરસન જ્યારે બીજી રનર-અપ મેક્સિકોની સોફિયા એરાગોન બની હતી.


આ વખતની સૌંદર્ય સ્પર્ધામાં કુલ 90 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. મિસ યુનિવર્સ-2018 કેટરિઓના ઈલિઝા ગ્રે (ફિલિપીન્સ)એ ટૂન્ઝીને તાજ પહેરાવ્યો હતો.


સ્પર્ધાના આખરી રાઉન્ડમાં ત્રણેય સ્પર્ધક સુંદરીઓને સવાલ પૂછવામાં આવ્યો હતોઃ આજના જમાનાની યુવા છોકરીઓને તમે કઈ મહત્ત્વપૂર્ણ બાબત શિખવવા માગશો? જજીસને ટૂન્ઝીનો જવાબ સૌથી વધારે ગમ્યો હતો. ટૂન્ઝીએ કહ્યું હતું કે, આજની યુવા છોકરીઓએ શિખવા જેવી સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે, નેતૃત્ત્વ લેવાની. સમાજમાં પોતાનું સ્થાન બનાવવા જેટલું વધારે જરૂરી બીજું કંઈ નથી.








આફ્રિકા ખંડે 20 વર્ષ બાદ ફરી વાર આ ટોચનો તાજ જીત્યો છે. 1999માં મિસ બોટ્સવાનાની યુવતી મિસ યુનિવર્સ બની હતી. 26 વર્ષીય ટૂન્ઝી દક્ષિણ આફ્રિકાના ત્સોલો શહેરની રહેવાસી છે.


ભારતની વર્તિકા સિંહ ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. એ ટોપ-20 રાઉન્ડ સુધી પહોંચી શકી હતી.


(ડાબે) 'મિસ ઈન્ડિયા યુનિવર્સ' વર્તિકા સિંહ (જમણે) 'મિસ સાઉથ આફ્રિકા યુનિવર્સ' ઝોઝીબિની ટૂન્ઝી