ફી વધારવા મામલે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા જેએનયુના વિદ્યાર્થીઓ

નવી દિલ્હીઃ જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટીમાં ફી વધારાનો વિવાદ હવે રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયો છે. જેએનયુના વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ ભવન માટે કૂચ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિને અપીલ કરશે કે તેમની હોસ્ટેલમાંથી ફી વધારો પાછો ખેંચી લેવામાં આવે. વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ ભવન જઈને રામનાથ કોવિંદને મળવા માંગે છે.

આ કૂચને જેએનયુ ટીચર્સ એસોસિએશને પણ સાથ આપ્યો છે. હોસ્ટેલની ફી ના મુદ્દાને લઈને જેએનયુ એકદમ મુશ્કેલીના સમયમાં છે, 12 ડિસેમ્બરથી વિદ્યાર્થીઓની સેમેસ્ટર એક્ઝામ શરુ થઈ રહી છે.

બીજી બાજુ જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જો ફી માં ઘટાડો ન કરવામાં આવ્યો તો અમે લોકો અભ્યાસ બાદ પરિક્ષાનો બહિષ્કાર કરીશું. બીજી તરફસ સામાન્ય વિદ્યાર્થીઓ આ મામલાના કારણે મુશ્કેલી અને મુંઝવણમાં મુકાયા છે. તેમને જેએનયુ મેનેજમેન્ટ કહી ચૂક્યું છે કે એક્ઝામના બહિષ્કારની અપિલને ન સાંભળો.

મેનેજમેન્ટનું કહેવું છે કે પરિક્ષાની તારીખને લંબાવવામાં નહી આવે અને જે પરિક્ષા નહી આપે તે ફેઈલ થઈ શકે છે અથવા તો તેનું નામ જેએનયુમાંથી રદ્દ કરવામાં આવી શકે છે. એચઆરડી મિનિસ્ટ્રીએ આ મુશ્કેલીમાં વધારો કરી દીધો છે કારણ કે આ મામલે તેની હાઈ લેવલ કમિટીનો રિપોર્ટ આવી ગયા બાદ તેને જાહેર કરવામાં આવ્યો નથી.