નેતા 14 મહિને જેલમાંથી જામીન પર છૂટ્યા, કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું

મની લોન્ડરિંગ સંબંધિત એક કેસના સંદર્ભમાં લગભગ 14 મહિના સુધી જેલવાસ ભોગવ્યા બાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય અનિલ દેશમુખનો 28 ડિસેમ્બર, બુધવારે મુંબઈમાં આર્થર રોડ સ્થિત જેલમાંથી જામીન પર છૂટકારો થયો હતો.

73 વર્ષીય દેશમુખને જામીન પર છોડવાનો મુંબઈ હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ એમને જેલમાંથી છોડવામાં આવ્યા છે.

સાંજે પાંચેક વાગ્યે તેઓ જેલમાંથી બહાર આવ્યા બાદ ત્યાં હાજર રહેલા એનસીપીના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત સેંકડો લોકોએ હાર પહેરાવીને, એમની પર ફૂલોની પાંખડીઓનો વરસાદ કરીને, એમને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કર્યું હતું. સૌએ દેશમુખને ખુલ્લી જીપમાં ઊભા રાખીને રોડશો કર્યો હતો. ઢોલ-નગારા, બેન્ડબાજા વગાડ્યા હતા, મીઠાઈ વહેંચી હતી.

દેશમુખ ત્યારબાદ એમના પરિવારજનો સાથે પ્રભાદેવી ઉપનગર સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા ગયા હતા.