ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’એ 28 ફેબ્રુઆરી, રવિવારે એક વધુ સિદ્ધિ હાંસલ કરી. સ્વદેશી ટેક્નોલોજીથી બનાવાયેલા PSLV-C51 રોકેટ દ્વારા બ્રાઝિલના એમેઝોનિયા-1 સેટેલાઈટ તથા બીજા 18 દેશી કૃત્રિમ ઉપગ્રહોને અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સ્પેસપોર્ટ સતિષ ધવન સ્પેસ સેન્ટરમાંથી આ રોકેટ અવકાશમાં છોડવામાં આવ્યું હતું.
એક ભારતીય સેટેલાઈટમાં ભગવદ્દ ગીતાની ઈલેક્ટ્રોનિક (સિક્યોર્ડ ડિજિટલ કાર્ડ ફોર્મેટ) કોપી તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છે. વડા પ્રધાન મોદીએ આદરેલા આત્મનિર્ભર ભારત સંકલ્પ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ચેન્નાઈની સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા કંપનીએ મોકલેલા સેટેલાઈટમાં ટોચની પેનલ પર વડા પ્રધાન મોદીનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે.
PSLV-C51 રોકેટ ‘ઈસરો’ની કમર્શિયલ કંપની ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડનું પ્રથમ વ્યાપારી મિશન છે. વળી, વર્ષ 2021માં પણ ઈસરોનું આ પ્રથમ મિશન છે. જ્યારે રોકેટનું આ 53મું મિશન છે. ચેન્નાઈથી 100 કિ.મી. દૂર આવેલા મિશન કન્ટ્રોલ સેન્ટરમાં બેસીને બ્રાઝિલના સરકારી અધિકારીઓએ સેટેલાઈટ લોન્ચ ઘટનાને નિહાળી હતી. બ્રાઝિલે તેના એમેઝોન ક્ષેત્રમાં જંગલોની થતી કાપણી પર દેખરેખ રાખવા તેમજ બ્રાઝિલના વિવિધ કૃષિ વિશ્લેષણ માટે જરૂરી માહિતી પૂરી પાડવા માટે એમેઝોનિયા-1 સેટેલાઈટને અવકાશમાં મોકલ્યો છે.
રવિવારે સવારે 10.24 વાગ્યે રોકેટ ધડાકાભેર અને આગની જ્વાળા-ધૂમાડા પાછળ છોડીને અવકાશ ભણી રવાના થયું હતું. તેની આશરે 17 મિનિટ બાદ રોકેટે સૌથી પહેલાં 637 કિ.ગ્રા. વજનવાળા એમેઝોનિયા-1 સેટેલાઈટને સફળતાપૂર્વક છૂટું કરીને અવકાશમાં સ્થિર મૂક્યું હતું. તેના દોઢેક કલાક બાદ અન્ય સેટેલાઈટ્સને અવકાશમાં સ્થિર મૂક્યા હતા.