સ્કોર્પીન વર્ગની ચોથી સબમરીન ‘INS વેલા’ ભારતીય નૌકાદળમાં સામેલ

ભારતીય નૌકાદળના વડા એડમિરલ કરમબીરસિંહની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ-75 અંતર્ગત અને સ્કોર્પીન વર્ગની ચોથી સબમરીન ‘INS વેલા’ને 25 નવેમ્બર, ગુરુવારે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. આ સબમરીનનું નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા ફ્રાન્સના નેવલ ગ્રુપના સહયોગમાં મુંબઈમાં કરવામાં આવ્યું છે. આ સબમરીન પશ્ચિમી નૌકા કમાન્ડમાં સબમરીન કાફલાનો હિસ્સો બની છે અને તેના આગમનથી ભારતીય નૌકાદળની તાકાત ઓર વધી ગઈ છે. પ્રોજેક્ટ-75 અંતર્ગત કુલ છ સબમરીનને સેવામાં સામેલ કરવાની છે. ‘INS વેલા’ ચોથી છે. ગઈ 21 નવેમ્બરે યુદ્ધજહાજ આઈએનએન-વિશાખાપટ્ટનમને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. આમ, એક જ અઠવાડિયામાં નૌકાદળની આ બીજી મોટી સિદ્ધિ છે. આ પ્રસંગે સંસદસભ્ય અરવિંદ સાવંત, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ વાઈસ-એડમિરલ આર. હરિકુમાર, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર વાઈસ-એડમિરલ નારાયણ પ્રસાદ (નિવૃત્ત) તથા અન્ય વરિષ્ઠ સિવિલ અને લશ્કરી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરની તસવીરમાં, એડમિરલ કરમબીરસિંહ આઈએનએસ વેલાની સેવાનિયુક્તિ તક્તીનું અનાવરણ કરે છે.

એડમિરલ કરમબીરસિંહ ‘આઈએનએસ વેલા’ના સેવાનિયુક્તિ સમારોહ દરમિયાન ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરે છે

આઈએનએસ વેલા પર નૌકાદળના ધ્વજને ફરકાવવામાં આવ્યો છે

આઈએનએસ વેલાના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન અનિશ મેથ્યૂ કમિશનિંગ વોરંટ વાંચે છે

આઈએનએસ વેલા પર એડમિરલ કરમબીરસિંહ તથા અન્યોની ગ્રુપ તસવીર

નૌકાદળના વડા એડમિરલ કરમબીરસિંહ રવાના થઈ રહ્યા છે

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]