સમુદ્રનો ‘સ્વદેશી યોદ્ધો’; યુદ્ધજહાજ ‘INS મોરમુગાઓ’ને નૌકાદળમાં સામેલ કરાયું

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, CDS જનરલ અનિલ ચૌહાણ, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 18 ડિસેમ્બર, રવિવારે મુંબઈમાં નેવલ ડોક્યાર્ડ ખાતે આયોજિત સમારોહમાં શક્તિશાળી યુદ્ધજહાજ ‘INS મોરમુગાઓ’ને ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું. આના આગમનથી ભારતની સમુદ્રી તાકાતમાં અનેકગણો વધારો થશે. (તસવીરોઃ દીપક ધુરી)

પશ્ચિમી સમુદ્રકાંઠે ગોવા રાજ્યના ઐતિહાસિક શહેર મોરમુગાઓનું નામ આ જહાજને આપવામાં આવ્યું છે. આ જહાજની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર તથા વજન 7,400 ટન છે. જહાજને ગતિ એમાંના ચાર શક્તિશાળી ગેસ ટર્બાઈનથી મળે છે. જહાજ 30 દરિયાઈ માઈલની સ્પીડ પ્રાપ્ત કરવા સક્ષમ છે. જહાજ અત્યાધુનિક ટેલીકમ્યુનિકેશન ઉપકરણો, રડાર અને જમીનથી જમીન પર વાર કરી શકનારી મિસાઈલ તેમજ જમીન પરથી આકાશમાં વાર કરી શકનારી મિસાઈલ જેવી વેપન સિસ્ટમ્સથી સુસજ્જ છે.

આ P15B સ્ટીલ્ધ-ગાઈડેડ મિસાઈલ વિનાશક યુદ્ધજહાજ સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત છે. રાજનાથસિંહે કહ્યું કે, જહાજમાંની તમામ સિસ્ટમ્સ માત્ર વર્તમાન જ નહીં, પરંતુ ભવિષ્યમાંની જરૂરિયાતોને પણ પરિપૂર્ણ કરશે.

આ યુદ્ધજહાજની ડિઝાઈન ભારતીય નૌકાદળની સંસ્થા વોરશિપ ડિઝાઈન બ્યૂરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી જ્યારે જહાજનું નિર્માણ મુંબઈસ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.