‘વિક્રમ-એસ’ રોકેટનું સફળ લોન્ચિંગઃ ભારત દુનિયાના અગ્રણી દેશોની હરોળમાં સામેલ

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ 18 નવેમ્બર, શુક્રવારે અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું દેશનું પ્રથમ ખાનગી રોકેટ ‘વિક્રમ-એસ.’ આ રોકેટને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરના સ્પેસપોર્ટ ખાતેથી અવકાશમાં લોન્ચ કર્યું હતું.

આ રોકેટને ભારતના અવકાશ સંશોધન કાર્યક્રમના પ્રણેતા વિક્રમ સારાભાઈનું નામ આપવામાં આવ્યું છે – ‘વિક્રમ-S’. આ રોકેટમાં બે સ્થાનિક અને એક વિદેશી ગ્રાહકના અંતરિક્ષ ઉપકરણો હતા. આ સાથે જ ‘પ્રારંભ’ મિશનની શરૂઆત થઈ છે. આ રોકેટ ચાર વર્ષ જૂની સ્ટાર્ટઅપ કંપની સ્કાઈરૂટ એરોસ્પેસે બનાવ્યું છે. આ સફળ લોન્ચિંગ સાથે દેશના લોન્ચ વેહિકલ (રોકેટ) સેગ્મેન્ટમાં ખાનગી ક્ષેત્રની એન્ટ્રીની શરૂઆત થઈ છે. ભારત સરકારે અવકાશ ક્ષેત્રને 2020માં ખાનગી કંપનીઓ માટે પણ ખુલ્લું મૂકવાની જાહેરાત કરી હતી. ‘વિક્રમ-S’ રોકેટ 6-મીટર લાંબું હતું. સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાયા બાદ તેણે આશરે 81 કિ.મી.ની ઊંચાઈ સુધી ઉડાણ ભરી હતી.

આ સિદ્ધિ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના વિજ્ઞાનીઓની ટીમને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે. એમણે લખ્યું છે કે ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ સિદ્ધિ આપણા દેશના યુવાઓમાં રહેલી અપાર પ્રતિભાની સાબિતી પૂરી પાડે છે. સ્કાઈરૂટ એરોસ્પેસ કંપની હૈદરાબાદની છે. પવનકુમાર ચંદાના અને નાગ ભરત ડાકાએ 2018ના જૂનમાં તેની સ્થાપના કરી હતી. કંપનીએ અત્યાર સુધીમાં રૂ. 526 કરોડનું ફંડ એકત્ર કર્યું છે અને તેના 200 જેટલા કર્મચારીઓ છે. પવનકુમાર ચંદાના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) ખડગપુરના છે જ્યારે ડાકા આઈઆઈટી મદ્રાસના છે.

ચંદાના મિકેનિકલ એન્જિનીયરિંગમાં બી.ટેક થયા છે અને થર્મલ સાયન્સ અને એન્જિનીયરિંગમાં એમ.ટેક થયા છે. એમણે 2012-18 સુધી તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં ઈસરોના રોકેટ નિર્માણમાં કામ કર્યું હતું. બાદમાં, 2018માં એમણે સ્ટાર્ટઅપ સ્કાઈરૂટ એરોસ્પેસની સ્થાપના કરી હતી.

નાગ ભરત ડાકા ઈસરો સંસ્થાના રોકેટ સેન્ટરના ભૂતપૂર્વ ફ્લાઈટ કમ્પ્યુટર એન્જિનીયર છે. એમણે અનેક ભારતીય રોકેટ બનાવવામાં યોગદાન આપ્યું છે. સ્કાઈરૂટ એરોસ્પેસમાં તેઓ ઓપરેશન્સ, એવિઓનિક્સ વિભાગના વડા છે. 2018માં એમણે ચંદાનાની સાથે મળીને સ્કાઈરૂટની સ્થાપના કરી હતી. આ બંને સ્પેસ એન્જિનીયરોને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ ખિતાબથી નવાજવામાં આવ્યા છે.

(તસવીર સૌજન્યઃ @SkyrootA, @PIB_India)