ગુપ્ત રીતે મિસાઈલ છોડીને દુશ્મન ટાર્ગેટનો નાશ કરી શકે એવા યુદ્ધજહાજ ‘INS ઈમ્ફાલ’ને 26 ડિસેમ્બર, મંગળવારે મુંબઈમાં નેવલ ડોક્યાર્ડ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર, પશ્ચિમી નૌકા કમાન્ડના વડા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ-એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ‘INS ઈમ્ફાલ’ સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી વડે બનાવવામાં આવ્યું છે. આ જહાજ પરથી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ પણ ફાયર કરી શકાશે.
આ યુદ્ધજહાજની ડિઝાઈન નૌકાદળની સંસ્થા વોરશિપ ડિઝાઈન બ્યૂરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને નિર્માણ મુંબઈસ્થિત સંરક્ષણ વિભાગ સંચાલિત જાહેર ક્ષેત્ર કંપની મઝગાંવ ડોક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.
ભારતીય નૌકાદળનું આ પહેલું જ યુદ્ધજહાજ છે જેને દેશના ઈશાન ભાગના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું છે. ઈમ્ફાલ મણિપુર રાજ્યનું રાજધાની શહેર છે.
આ ગાઈડેડ મિસાઈલ યુદ્ધજહાજ આધુનિક રડારથી સજ્જ છે. તે હિંદ મહાસાગરમાં ચીનની હિલચાલ વધી ગઈ હોવાથી ‘આઈએનએસ ઈમ્ફાલ’ની હાજરીથી ભારતની દરિયાઈ તાકાત, સમુદ્રી ક્ષમતામાં વધારો થશે.