નૌકાદળની મહિલા પાઈલટોએ અરબી સમુદ્રમાં મિશન પાર પાડ્યું

પોરબંદરમાં ભારતીય નૌકાદળના નેવલ એર એન્ક્લેવ સ્થિત INAS-314 દળની પાંચ મહિલા અધિકારીઓએ 3 ઓગસ્ટ, બુધવારે ડોર્નિયર-228 વિમાનમાં સવાર થઈને ઉત્તર અરબી સમુદ્રમાં પ્રથમ સર્વ-મહિલા સ્વતંત્ર દરિયાઈ શોધ અને નિરીક્ષણનું મિશન સફળતાપૂર્વક પૂરું કરી બતાવ્યું હતું. વિમાનનું નેતૃત્વ મિશન કમાન્ડર, લેફ્ટેનન્ટ કમાન્ડર આંચલ શર્માએ લીધું હતું. એમની ટીમની અન્ય સભ્યો હતીઃ પાઈલટ, લેફ્ટેનન્ટ શિવાંગી, લેફ્ટેનન્ટ અપૂર્વા ગીતે, વ્યૂહાત્મક અને સેન્સર અધિકારી લેફ્ટેનન્ટ પૂજા પાંડા અને સબ-લેફ્ટેનન્ટ પૂજા શેખાવત.

આ મિશન શરૂ કરતા પૂર્વે મહિલા અધિકારીઓને મહિનાઓ સુધી જમીન પર પ્રશિક્ષણ તથા વ્યાપક મિશન બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. આ મિશન ભારતીય નૌકાદળમાં મહિલા સશક્તિકરણની દિશામાં ભારતની મહત્ત્વની પહેલ છે. આઈએનએએસ-314 પોરબંદર, ગુજરાત સમુદ્રકાંઠે એક મોરચાની નેવલ એર સ્ક્વોડ્રન છે. તે અત્યાધુનિક ડોર્નિયર-228 દરિયાઈ નિરીક્ષક વિમાનનું સંચાલન કરે છે. સ્ક્વોડ્રનનું નેતૃત્વ નેવિગેશન પ્રશિક્ષક કમાન્ડર એસ.કે. ગોયલ સંભાળે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]