મતદાન માટે ગુજરાતીઓનો હાઉ’ઝ ધી જોશ

અમદાવાદ– હાઉઝ ધી જોશ… આ ડાયલોગ આવે એટલે ઉરી ફિલ્મની યાદ આવે, પણ લોકસભાની ચૂંટણીમાં હાઉઝ ધી જોશ શબ્દ ચૂંટણી પ્રચારમાં બહુ ચગ્યો. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટે આજે ગુજરાતમાં 26 બેઠક પરની મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. વિવિધ માધ્યમો દ્વારા મતદારોએ મતપેટીઓ તરફ કેવો જોશ દર્શાવ્યો તેની દિવસભર નોંધ લેવાતી રહી હતી. મતદારોના જોશનું પરિણામ 23મી મેએ બહાર પડશે ત્યાં સુધીમાં કદાચ આંગળી પરનું ટપકું દૂર થઈ ગયું હશે પરંતુ પોતાના મતનું મૂલ્ય નવી સરકાર તેમના કલ્યાણ માટે, સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરશે ત્યારે જ સાર્થક થશે તેવો પ્રતિભાવ પણ જોવા મળ્યો હતો. અપંગો, અશક્તો, વિકલાંગો, દિવ્યાંગો, પ્રથમ વખતના મતદાર બનતાં યુવાઓ, કામકાજી યુવાઓ, સામાન્ય ગૃહિણીઓ, વડીલો સૌ કોઇ નાગરિકોએ મતદાનની પવિત્ર ફરજ બજાવવા ગરમીના ઉકળાટ વચ્ચે પણ સારો એવો ઉત્સાહ દાખવ્યો હતો. chitralekha.com સાથે વાત કરતાં એક મલ્ટિનેશનલમાં કામ કરતાં શ્વેતલ દેસાઈએ મતદાન કરીને જણાવ્યું કે આપણે સરકારના કામકાજ માટે અસંતોષ વ્યક્ત કરીએ કે વિરોધ વ્યક્ત કરીએ ત્યારે યાદ રાખવું જોઇએ કે આપણે મતદાન કરીને આપણે ફરજ નિભાવી હતી કે નહીં. લોકશાહી માટે આ ખૂબ જ જરુરી પ્રક્રિયા છે તેથી મતદાન તો કરવું જ જોઇએ.ગુજરાતમાં સરેરાશ 60.21 ટકા જેટલું મતદાન નોંધાયું છે.આ વર્ષે ચૂંટણીમાં 4 કરોડ 51 લાખ કુલ મતદારોમાં 10 લાખ 06 હજાર નવા 18થી 18 વર્ષના યુવા મતદારો હતા. આ યુવા મતદારોમાં પ્રથમ વખત મત આપવાનો ભારે જોશ હતો. પ્રથમ વખત મત આપીને ખુબ આનંદની લાગણી થાય. તેમજ બીજી કે ત્રીજી વખત વૉટ આપનાર પણ એટલી જ ખુશીથી વૉટ આપી રહ્યા હતા. તેમનો વૉટ સીધો નવી દિલ્હીની ગાદી પર બેસનારનું ભાવી નક્કી કરનાર છે. આથી દરેક વયના મતદારોમાં ભારે જોશ હતો. ત્યારે મતદારોના ઉત્સાહ અને દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજના પવિત્ર પ્રતીક સમાન આંગળી પરનું મતદાન કર્યાંનું નિશાન અરસપરસ દર્શાવવાનો પ્રયાસ નવી સરકારને ચૂંટવાની આજની પ્રક્રિયા દરમિયાન ધ્યાનપાત્ર બની રહી હતી. કામકાજી મતદારોને મતદાન કરવા જવા માટે માલિકોએ સમયાનુકૂળતા પણ કરી આપી હતી તેમ નેહા પટેલે chitralekha.com ને જણાવ્યું હતું. આ વખતે નવો ટ્રેન્ડ હતો કે મત આપ્યા પછી મત આપેલી આંગળી સાથેની સેલ્ફી. અને આ સેલ્ફી સોશિયલ મીડિયામાં શેર કરીને આનંદ મેળવે છે.મતદાન કરવા માટે આ વખતે વિવિધ કંપનીઓએ પોતાના કર્મચારીઓને પ્રોત્સાહન આપતાં પણ નજરે પડ્યાં હતાં. અમદાવાદની એક કંપનીમાં કામ કરતાં બીજલ વ્યાસે chitralekha.com ને જણાવ્યું કે અમને મતદાન કરવા માટે પ્રોત્સાહન રુપે બેગ આપવામાં આવી હતી. મતદાન મતદાન કરીને શાહીનું ટપકું મૂકાવ્યું હોય તેમને એક કંપનીએ ટ્રાવેલ બેગ્ઝ પણ ભેટમાં આપી હતી.