મુંબઈમાં ભારે વરસાદને કારણે પવઈ સરોવર છલકાયું…

મુંબઈમાં છેલ્લા 3 દિવસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પૂર્વ ભાગમાં આવેલા અંધેરી-કાંજૂરમાર્ગ ઉપનગરોમાં આવેલું પવઈ સરોવર 5 જુલાઈ, રવિવારે છલકાવા માંડ્યું હતું. આ સરોવરનું પાણી પીવા માટે હોતું નથી, માત્ર ઔદ્યોગિક વપરાશ માટે હોય છે. આશરે દોઢ કરોડની વસ્તી ધરાવતા મુંબઈ મહાનગરને પીવાનું પાણી સાત જળાશયો પૂરું પાડે છે - ભાત્સા, મોડકસાગર, અપર વૈતરણા, મિડલ વૈતરણા, તાનસા, વિહાર અને તુલસી.


આમાં, ભાત્સા સૌથી મોટું સરોવર છે. પડોશના થાણે જિલ્લાના શાહપુર નજીક ભાત્સા નદી પર બંધ બાંધીને આ સરોવર બનાવવામાં આવ્યું છે. મોડકકાસાગર ડેમ પણ થાણે જિલ્લામાં વૈતરણા નદી પર બાંધવામાં આવેલો છે.


મુંબઈમાં છેલ્લા 3 દિવસોમાં 12 ઈંચથી વધારે વરસાદ પડી ચૂક્યો હતો. ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરિણામે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો.
દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં દરિયાના મોજાંએ કિનારા પર ફેંકેલો કચરો સફાઈકર્મચારીઓ દૂર કરી રહ્યા છે.