GalleryEvents ભારતીય નૌકાદળ દ્વારા પૂરગ્રસ્ત જામનગર, રાજકોટમાં રાહત કામગીરી September 14, 2021 ગુજરાતના જામનગર અને રાજકોટ જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થવાને કારણે પૂર આવ્યું છે. પૂરનાં પાણી વચ્ચે ફસાયેલાં હજારો લોકોને ઉગારવા તથા એમની મદદ-રાહત માટે ભારતીય નૌકાદળ, ભારતીય હવાઈ દળ, ભારતીય તટરક્ષક દળ (કોસ્ટગાર્ડ) તથા નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનોએ 14 સપ્ટેમ્બર, મંગળવારે યુદ્ધના ધોરણે કામગીરી બજાવી છે. એનડીઆરએફના જવાનોની 20 ટૂકડીઓને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. જામનગરમાં કેટલાક સ્થળે ફસાઈ ગયેલા 22 જણને ભારતીય હવાઈ દળે હેલિકોપ્ટરની મદદથી ઉગાર્યા છે. નાગરિક પ્રશાસન તરફથી સહાય માટે કરાયેલી વિનંતીના આધારે નેવલ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ (HADR) ની ટીમ જેમાં સહાયક ગિયર સાથે નૌકાદળના ડાઇવર્સનો સમાવેશ થાય છે, તેમને બચાવ કામગીરીમાં સામેલ થવા માટે ‘INS સરદાર પટેલ’થી રાજકોટ માટે ટૂંકી નોટિસ પર મોકલવામાં આવી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલા નાગરિક બચાવ પ્રયાસોને વધારવા માટે વધુ છ ટીમ પણ તૈયાર છે. જામનગરના ‘INS વાલસુરા’થી અનેક રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી અતિવૃષ્ટિથી પ્રભાવિત અને શહેરના પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકોને મદદ મળી શકે. જેમિની બોટ, લાઈફ વેસ્ટ, ફર્સ્ટ એઈડ-કીટ અને અન્ય જરૂરી સાધનસામગ્રીઓથી સજ્જ ટીમોએ વૃદ્ધો અને મહિલાઓ સહિત લોકોને મોટી સંખ્યામાં બચાવ્યા હતા અને તેમને સલામત સ્થળે ખસેડ્યાં હતાં. નૌકાદળની ટીમોએ ચારેતરફ પાણીમાં ફસાયેલા નાગરિકોને ફૂડ પેકેટ પણ આપ્યા હતા. વરિષ્ઠ નૌકાદળના અધિકારીઓ પૂર રાહત પ્રવૃત્તિઓમાં જરૂરી કોઈપણ મદદ આપવા માટે નાગરિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે. વધુ બચાવ ટીમોને ટૂંકી સૂચના પર મોકલવા માટે તૈયાર રાખવામાં આવી છે. ભારતીય તટરક્ષક દળે મધદરિયે સાહસપૂર્ણ ઓપરેશન હાથ ધરીને 7 જણનાં જીવ બચાવ્યા હતા.