જમ્મુ-કશ્મીરમાં 25 રાષ્ટ્રીય હાઈવે પરિયોજનાઓનું ભૂમિપૂજન

કેન્દ્રના ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ 24 નવેમ્બર, બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના ડોડા શહેરમાં આયોજિત એક સમારંભમાં 25 રાષ્ટ્રીય હાઈવે પરિયોજનાઓનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રોજેક્ટોનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 11,721 કરોડ છે. જે અંતર્ગત કુલ 259 કિલોમીટરના હાઈવે તૈયાર કરાશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના સમગ્ર વિકાસ માટે આ યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય રાજમાર્ગો બની ગયા બાદ પ્રદેશનાં લોકોના સમય અને ઈંધણની ઘણી બચત થશે. જમ્મુ-કશ્મીરમાં રોજગારની નવી તકોનું નિર્માણ થશે, પર્યટનને બળ મળશે અને સ્થાનિક લોકોના સામાજિક અને આર્થિક વિકાસને ગતિ મળશે. આ પ્રસંગે જમ્મુ-કશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર સૌજન્યઃ @nitin_gadkari અને @OfficeOfLGJandK)