‘ભારતમાં કામ ના કરું એટલે હું મરી ગયો છું?’: હરીશ પટેલ

મુંબઈઃ હોલીવૂડ ફિલ્મ ‘ધ ઇટર્નલ્સ’ હાલના દિવસોમાં માર્વેલ્સના ફેન્સની વચ્ચે ખૂબ ચર્ચામાં છે. જો તમે આ ફિલ્મને જોઈ હશે તો એ ફિલ્મમાં બોલીવૂડના જાણીતા ચહેરા હરીશ પટેલને જરૂર ઓળખ્યા હશે. જી હા, ‘ધ ઇટર્નલ્સ’માં ભૂમિકા ભજવવાને લીધે એક્ટર હરીશ પટેલ ફરી ચર્ચામાં આવી ગયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મના શૂટિંગ માટે લંડન રવાના થયા પછી લોકોએ માની લીધું હતું કે તેમનું નિધન થયું છે.

તેમના એક ઇન્ટરવ્યુમાં હરીશ પટેલે જણાવ્યું હતું કે ‘ધ ઇટર્નલ્સ’નું ટ્રેલર જોયા પછી લોકોએ અચાનક તેમના વિશે વાત કરવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે કે અચાનક હું ચર્ચાનો વિષય બની ગયો છું, પણ મેં સાંભળ્યું હતું કે લોકોએ એ માની લીધું હતું કે હું આ દુનિયામાંથી નથી. હું વિચારતો હતો કે આ પ્રકારના નિષ્કર્ષે પહોંચતાં પહેલાં એક વાર મને પૂછી કેમ ના લીધું?

તેમણે વધુમાં કહ્યું હતું કે ગૂગલ સર્ચ પર ચેક કરી લેતા કે હરીશ પટેલ ક્યાં છે, મરી ગયા છે કે જીવતા છે. માત્ર એટલા માટે કે હું ભારતમાં કામ નથી કરી રહ્યો કે દેખાતો નથી, એટલે બસ, કહી દીધું કે હું નથી રહ્યો.

મોટા ભાગના લોકો તેમને બોલીવૂડની ફિલ્મ ‘ગુંડા’ (1998)માં તેમના કેરેક્ટર ‘ઈબુ હટેલા’થી લોકપ્રિય થયાનું જાણે છે. ‘ધ ઇટર્નલ્સ’ના ટ્રેલર અને ફિલ્મ જોયા પછી તેમના કેટલાય મીમ સામે આવ્યા છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]