મુંબઈઃ સેનાનાં જવાનોએ બાંધેલા ફૂટઓવર બ્રિજનું કામ પૂરજોશમાં…

મુંબઈમાં પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પરના એલફિન્સ્ટન રોડ તથા મધ્ય રેલવેના પરેલ સ્ટેશનોને જોડતા નવા રેલવે ફૂટઓવર બ્રિજનું બાંધકામ, જે ભારતીય સેનાના જવાનોએ કર્યું છે, તે હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ઝડપથી પૂર્ણતાને આરે જઈ રહ્યું છે. બોમ્બે એન્જિનિયરીંગ ગ્રુપ એન્ડ સેન્ટરના કમાન્ડન્ટ બ્રિગેડિયર ધીરજ મોહને બ્રિજના બાંધકામની પ્રગતિ વિશે શનિવાર, 27 જાન્યુઆરીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ બ્રિજ 240 મીટર લાંબો છે. ભારતીય સેનાનું કહેવું છે કે આ બ્રિજ જનતા માટે એક પખવાડિયામાં ખુલ્લો મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચાર મહિના પહેલાં આ બ્રિજ ઉપર એલફિન્સ્ટન રોડ સ્ટેશન તરફના છેડે ભારે ધક્કામુક્કી થઈ હતી અને એમાં 23 જણે જાન ગુમાવ્યા હતા. ભારતીય લશ્કર મુંબઈમાં એલફિન્સ્ટન રોડ ઉપરાંત કરી રોડ અને આંબીવલી સ્ટેશનો ખાતે પણ આવા ફૂટઓવર બ્રિજ બાંધી રહ્યું છે. એલફિન્સ્ટન રોડ પરના ફૂટ ઓવર બ્રિજ પર ગયા વર્ષે થયેલી દુર્ઘટના રેલવે વહીવટીતંત્રની બેદરકારી, નિષ્ફળતાને કારણે થઈ હોવાની આકરી ટીકા કરવામાં આવી હતી. ત્યારબાદ ફૂટ ઓવર બ્રિજનું બાંધકામ રેલવેએ જાતે કરવાને બદલે દેશની સેનાને સોંપવામાં આવ્યું ત્યારે પણ મહારાષ્ટ્ર સરકાર તથા રેલવે પ્રધાન પીયૂષ ગોયલની ટીકા કરવામાં આવી હતી. એ બ્રિજ સાંકળો હતો એટલે ગિરદીના સમયે ધક્કામુક્કીની દુર્ઘટના સર્જાઈ હતી એવું રેલવેની તપાસના અહેવાલમાં જણાવાયું હતું. આ બ્રિજને તોડીને એની જગ્યાએ નવો બ્રિજ બાંધવાની જરૂર જણાવાઈ હતી. આ બ્રિજ પરથી રોજ સતત અસંખ્ય લોકોની અવરજવર રહેતી હોય છે એટલે નવો બ્રિજ ઝડપથી બાંધવાની જરૂર હતી. મહારાષ્ટ્ર સરકારે માટે આ કામ કરવાની ભારતીય લશ્કરને વિનંતી કરી હતી જેનો લશ્કરી સત્તાવાળાઓએ સ્વીકાર કર્યો. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]