ઈન્દિરા ગાંધીને પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ નેતાઓની શ્રદ્ધાંજલિ

ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને 31 ઓક્ટોબર, મંગળવારે એમની 39મી પુણ્યતિથિ નિમિત્તે એમનાં પરિવારજનો તથા કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ, સદસ્યોએ યાદ કર્યાં હતાં. કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને એમનાં પુત્ર રાહુલ ગાંધી તેમજ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તથા અન્ય નેતાઓએ નવી દિલ્હીમાં સ્વ. ઈન્દિરા ગાંધીનાં સ્મારક શક્તિસ્થળ ખાતે જઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 1984ની 31 ઓક્ટોબરે ઈન્દિરા ગાંધીની નવી દિલ્હીસ્થિત એમનાં સત્તાવાર નિવાસસ્થાને એમનાં જ બે અંગરક્ષકે ગોળી મારીને હત્યા કરી હતી. ઈન્દિરા ગાંધી ભારતનાં એકમાત્ર મહિલા વડા પ્રધાન હતાં. તેઓ જાન્યુઆરી 1966થી માર્ચ 1977 સુધી અને ત્યારબાદ જાન્યુઆરી 1980થી 1984ના ઓક્ટોબરમાં એમનાં નિધન સુધી વડાં પ્રધાન પદે રહ્યાં હતાં.