ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં કોવિડ-19 હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી…

જીવલેણ એવા કોરોના વાઈરસ ચેપી રોગચાળાનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર અનેક પગલાં લઈ રહી છે. તેણે આ રોગના દર્દીઓની સારવાર કરવા માટે મુંબઈના બાન્દ્રા ઉપનગરસ્થિત બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) સંકુલ વિસ્તારમાં એક વિશાળ કામચલાઉ હોસ્પિટલ (હેલ્થ સેન્ટર) પણ બનાવી છે. નગરવિકાસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા 1000-પલંગવાળા વિશેષ કોવિડ-19 હેલ્થ સેન્ટરની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 18 મે, સોમવારે મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થા, સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આ હોસ્પિટલનો કારભાર MMRDA સંસ્થાના કમિશનર આર. રાજીવે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલને સુપરત કર્યો હતો.

આ હેલ્થ સેન્ટર વિક્રમસર્જક સમયમાં યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યું છે. એમાં 250થી વધારે ઓક્સિજન સપ્લાય સુવિધા સાથેના પલંગ છે, 250 હાઈ-ડીપેન્ડેન્સ બેડ પણ છે.