GalleryFashion & Entertainment ડોક્યૂ-સીરિઝ ‘સીક્રેટ્સ ઓફ ધ કોહિનૂર’માં કોહિનૂર હિરાની યાત્રાની જાણકારી મળશે July 28, 2022 અતિ મૂલ્યવાન હિરા કોહિનૂર ભારતમાંથી કઈ રીતે બ્રિટનમાં જતો રહ્યો એની પાછળ અનેક રહસ્યો અને વાર્તાઓ છે. એ વિશેની ડોક્યૂ-સીરિઝ ‘સીક્રેટ્સ ઓફ ધ કોહિનૂર’ને 4 ઓગસ્ટે ડિસ્કવરી પ્લસ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવશે. આ દસ્તાવેજી-શ્રેણીનો ફર્સ્ટ લુક 28 જુલાઈ, મુંબઈમાં મીડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અભિનેતા મનોજ બાજપેઈ, પ્રેઝન્ટર નીરજ પાંડે અને દિગ્દર્શક રાઘવ જયરથ ઉપસ્થિત રહ્યા હતા. મનોજ બાજપેઈ આ શ્રેણીમાં સ્ટોરીટેલરના રૂપમાં રજૂ થશે. મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, અતિ મૂલ્યવાન હિરા કોહિનૂર વિશે આ દસ્તાવેજીમાં જે માહિતી આપવામાં આવી છે એ જાણીને મને ખરેખર ખૂબ આશ્ચર્ય થયું હતું. ઘણી હકીકતોની મને જાણ જ નહોતી અને મને ખાતરી છે કે દુનિયામાં મોટાં ભાગનાં લોકોને પણ એની જાણ નહીં હોય. ક્રીએટર નીરજ પાંડેએ કહ્યું કે, ન જોયેલી, ગુપ્ત રહેલી હોય અને અજ્ઞાત હોય એવી ઐતિહાસિક હકીકતો મને કાયમ વિષયના ઊંડાણમાં જવાનો રોમાંચ અને ઉત્સૂક્તા જગાડતી હોય છે. ઉલ્લેખનીય છે કે, કોહિનૂર હિરો, જે એક સમયે ભારતની સંપત્તિ હતો, તે દાયકાઓથી બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સનો એક હિસ્સો બન્યો છે. આ હિરો 105.6 કેરેટ (21.12 ગ્રામ) વજનનો છે. તે હાલ બ્રિટનનાં રાણીનાં તાજમાં મૂકવામાં આવ્યો છે. (તસવીરોઃ દીપક ધુરી)