અમદાવાદઃ આજે સવારે અહીંના જમાલપુર વિસ્તારસ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી જગન્નાથજીની 144મી વાર્ષિક રથયાત્રા કાઢવામાં આવી હતી. કોરોના મહાબીમારીને કારણે કર્ફ્યૂ સહિત અનેક નિયંત્રણો વચ્ચે કાઢવામાં આવેલી આ રથયાત્રાના રૂટ પર સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદમાં આ પહેલી જ વાર કર્ફ્યૂ હેઠળ જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવી છે. રથયાત્રા ઓછા વાહનો અને સુરક્ષા કર્મચારીઓ સાથે ઝડપભેર રૂટ પરથી પસાર થઈ હતી.
જમાલપુર, ખમાસા, કાલુપુર થઈ સરસપુર મોસાળમાં રથયાત્રા પહોંચ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ કાલુપુર તરફ પરત ફરી હતી. જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજનું વાહન, પોલીસના વાહનો, મેડિકલ ટીમ જેવા ગણતરીના વાહનોને કારણે રથયાત્રા સમય કરતાં પણ ઝડપથી પસાર થઇ હતી.
રથયાત્રાના રૂટ પરના તમામ પોલીસ સ્ટેશનમાં કર્ફ્યુ હોવાના કારણે તમામ વિસ્તારોને બેરિકેડ મૂકીને કોર્ડન કરી દેવામાં આવ્યા હતા.
સરસપુર સહિત કેટલાક વિસ્તારોમાં લોકોએ રથના દર્શન કરવા માટે સવારના સમયે ઉહાપોહ કરી નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.
ભાવિક ભક્તો, ભજન મંડળીઓ,અખાડા અને શણગારેલા ટ્રકો, વેશભૂષાની ગેરહાજરીથી રથયાત્રા નિરસ જણાતી હતી.