અમદાવાદની 145મી રથયાત્રાની એક ઝલક…

જગન્નાથજીની 145 મી રથયાત્રા મંદિરના પ્રાંગણમાંથી નીકળી શહેરના પરંપરાગત માર્ગો પરથી પસાર થતી આગળ વધી રહી છે.

ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલરામજીના રથ નગર માં નીકળ્યા ત્યારે હજારો ભક્તો ‘જય રણછોડ’ના નારા સાથે યાત્રામાં જોડાયા. 

રથયાત્રામાં ભજન મંડળીઓ, ટ્રેક્ટર ઊંટ લારી સાથે અખાડાએ ભાગ લીધો હતો. વિવિધ અખાડિયનોએ પોતાના આગવાં કરતબ બતાવી રહ્યા છે.

વૈશ્વિક કોરોના રોગચાળાનાં બે વર્ષ પછી ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ મંદિરમાં સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી.

તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્રણેય રથ હાલ સરસપુર પહોંચ્યા છે. સરસપુરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી શણગારેલી ‘ થીમ બેઝ ‘ ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બની હતી.

રથયાત્રાના આખાય માર્ગ પર લોકોને મગ, જાંબુ, ચોકલેટ અને વિવિધ વાનગીઓનો પ્રસાદ સેવાભાવી લોકો દ્વારા વહેંચવામાં આવ્યો હતો.

આ વખતે રથયાત્રા રૂટનું હેલિકોપ્ટર, ડ્રોન કેમેરા અને બોડી કેમેરાથી પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

પોલીસ, અર્ધલશ્કરી દળના જવાનો, હોમગાર્ડઝના જવાનો અને સ્વયંસેવકો દ્વારા આખી રથયાત્રાની સુરક્ષાની જવાબદારી હતી. સુરક્ષાની તમામ શાખાઓ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શહેરના માર્ગો પરથી રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે પસાર થઇ રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)