તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ ।
યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ।।2।।
ઋગ્વેદમાં લક્ષ્મીજીની સ્તુતિ કરતું શ્રીસૂક્તમ્ ઘણું જ પ્રસિદ્ધ છે. તેનો બીજો શ્લોક અહીં અપાયો છે. તેમાં કહેવામાં આવ્યું છેઃ હે અગ્નિદેવ (સૂર્યદેવ, ભગવાન), મને છોડીને જાય નહીં એવી અર્થાત્ સ્થિર લક્ષ્મીને બોલાવો (કે મોકલો) એવી હું પ્રાર્થના કરું છું. એ લક્ષ્મી એવી હોય જેના આવતાં જ મને સુવર્ણ (ધન), ગાય, પૃથ્વી, ઘોડા, પુત્ર-પૌત્ર, મિત્ર, વગેરે મળી જાય.
ટૂંકમાં, આ મંત્રમાં અનપગામિની અર્થાત્ સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટેની યાચના કરવામાં આવી છે. લક્ષ્મી ચંચળ છે એવું બધા જ કહે છે અને માને છે તેથી લક્ષ્મી સ્થિર રહે એવી જ સૌની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. લક્ષ્મીજી કેવી રીતે સ્થિર થાય એના વિશે આપણે આ કટારમાં અગાઉ અનેક વાતો કરી છે. આજે અનપગામિની લક્ષ્મીની વાત નીકળી છે તો જણાવી દઉં કે લક્ષ્મીજીનો સ્વભાવ ચંચળ નથી, સ્થિરતા જ તેમને ગમે છે, પરંતુ જ્યારે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરનાર તેમનું માન જાળવી શકતો નથી ત્યારે તેઓ ગુપચુપ ચાલ્યાં જાય છે.
હવે બીજી એક અગત્યની વાત. લક્ષ્મીજીને આપણે ભગવાન વિષ્ણુના સહધર્મચારિણી માન્યાં છે. જો લક્ષ્મીજી એકલાં જ આપણા ઘરે આવે તો મહેમાનની જેમ થોડા દિવસ રહીને પછી રજા લઈ લેશે. તેનું કારણ એ કે પરિણીત મહિલા જો પતિની સાથે ન હોય તો ક્યાંય લાંબું રોકાણ કરતી નથી. જો લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના સંગાથે આવશે તો કાયમ રહેશે. ભગવાન વિષ્ણુ એટલે બીજું કંઈ નહીં, પણ નીતિમૂલ્યોના દેવતા. બીજા શબ્દોમાં કહીએ તો, નૈતિક રીતે પ્રાપ્ત કરેલું ધન જ લાંબો સમય ટકે છે.
બીજું, ધન-સંપત્તિ તપ કરીને જ પ્રાપ્ત કરવાં જોઈએ. સોનું તપીને જ શુદ્ધ થાય છે એમ મનુષ્ય પણ તપ કરે તો જ મૂલ્ય પામી શકે છે. આમ, ધન પ્રાપ્ત કરવા માટે તપ એટલે કે સખત મહેનત કરવાની જરૂર હોય છે. એ મહેનત પણ અગાઉ કહ્યા પ્રમાણે નીતિપૂર્વકની હોવી જોઈએ.
જો સંપત્તિ ઝડપથી આવશે તો જશે પણ ઝડપથી. જરાપણ મહેનત વગર ટૂંકા સમયમાં નાણાં બમણાં કરવાની કે ભરપૂર વળતર પ્રાપ્ત કરવાની લાલચમાં ફસાઈને લોકો પોન્ઝી સ્કીમના શિકાર બને છે. આ જ રીતે સમાજ, દેશ કે કુદરતનો કાયદો તોડીને પણ જો ધન પ્રાપ્ત કરવામાં આવે તો એ ઝાઝું ટકતું નથી.
જો દેશનો કાયદો તોડવામાં આવે તો વહેલી-મોડી સજા થયા વગર રહેતી નથી. સમાજના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો માનહાનિ થાય અથવા તો માનસિક શાંતિ હણાઈ જાય. જો કુદરતના કાયદાનો ભંગ કરવામાં આવે, એટલે કે કુદરતી સ્રોતોનો વ્યય કરવામાં આવે અથવા તો પર્યાવરણને નુકસાન થાય એવું કરાય તો કુદરતી આફતોના સ્વરૂપે પરિણામ ભોગવવું પડે છે. તેને પગલે અનેક રીતે હાનિ-નુકસાન થાય છે. આથી, આ ત્રણે કાયદાઓનો ભંગ કરીને સંપત્તિ રળવી જોઈએ નહીં. શોર્ટ કટથી મેળવેલી વસ્તુ શોર્ટ ટર્મ માટે એટલે કે ટૂંકા ગાળા માટે જ ટકે છે.
તમે જોયું જ હશે કે અનૈતિક રીતે ધન પ્રાપ્ત કર્યું હોય એના કરતાં મહેનત કરીને પેટિયું રળનાર વ્યક્તિને વધુ સારી ઊંઘ આવે છે અને વધારે સુખી હોય છે. કરવેરાના કાયદાની છટકબારી શોધીને, મિત્રો-પરિવારજનોને છેતરીને, કુદરતનું નુકસાન કરીને ધન-સંપત્તિ પ્રાપ્ત કરવામાં આવે તો આખરે એ માનસિક પરિતાપ અને શારીરિક હાનિમાં પરિણમે છે.
ઉક્ત શ્લોકને યાદ કરીને એક વાત ખાસ કહેવાની કે હવે પછી જ્યારે પણ ધન મેળવવા માટે યાચના કરો ત્યારે ફક્ત પૈસા નહીં માગવા, અનપગામિની લક્ષ્મીજીને આવાહન કરવું.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)