મૂળાધાર ચક્રને કાર્યશીલ કરવા માટે શું કરવું?

।। तदा विवेकनिम्नं कैवल्यप्रागभावं चित्तम् ।।

વિવેક તરફ નમેલું ચિત્ત, કૈવલ્યને અભિમુખી થાય છે…

યોગા અભ્યાસ વડે વિવેક શક્તિરૂપી શુદ્ધ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આપણે લોભાઈ જઈએ એવા ઘણા બધા માયાવી સંજોગો અને ભૌતિક વસ્તુઓ આપણી આજુબાજુ હોય છે. આપણા ચિત્તરૂપી ચક્ષુ ઉપર ફરી વળેલું ભ્રમરૂપી પડળ ખસી જવાથી આપણે વસ્તુઓને તેના સત્ય સ્વરૂપમાં જોઈ શકીએ છીએ.

ઉદાહરણ તરીકે, જો મને બંગલો મળી જાય પછી બસ આનંદ જ આનંદ. મને ગાડી મળી જાય પછી જીવનમાં સુખ જ સુખ. હું ફોરેન ફરવા જાઉં પછી મજા જ મજા!

શું સાચું સુખ, સાચી મજા કે સાચો આનંદ આ બધી વસ્તુઓ કે પ્રવૃતિમાં છે? કદાચ થોડી ક્ષણો માટે મન ખુશ થઈ જાય, પરંતુ નિર્મળ આનંદ, આંતરિક આનંદ શેમાં છે? આંતરિક આનંદ અને વિવેકબુદ્ધિ યોગ કરવાથી આવે છે. યોગ કરવાથી એ વાત બરાબર સમજાઈ જાય છે કે પ્રકૃતિ ઈશ્વર નથી એ સત્ય પણ આપણી નજર સમક્ષ ખુલ્લું થઈ જાય છે. પ્રકૃતિની આ સર્વ લીલા અને તેના અનેકવિધ મિશ્રણો તે માત્ર આપણા હ્રદયરૂપી સિંહાસન પર બિરાજમાન છે એને બતાવવા માટે જ છે. લાંબા સમયના યોગના અભ્યાસ દ્વારા આ વિવેકશક્તિનો ઉદય થાય છે ત્યારે ભય ટળી જાય છે અને કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે. 

ભય કયારે હોય? જ્યારે એવું લાગે કે આ “મારું” છે ને એ જતું રહેશે! અથવા તો મેં જે સંસાર ઉભો કર્યો છે એ જતો રહેશે એવું લાગે ત્યારે. પરંતુ નિયમિત યોગ કરવાથી મૂળાધાર ચક્ર એક્ટિવ થાય છે. આ ચક્ર એક્ટિવ થવાથી આપણે જે છીએ, જેવા છીએ એની સાથે કોઈ હીનભાવના કે ભ્રામિક શ્રેષ્ઠતાની ભાવના વિના આરામદાયક સ્થિતિ બની જાય છે.  પોતાની જાત સાથે સંતોષ હોય ત્યારે આ ભ્રામિક દુન્યવી વસ્તુઓની અસર મન પર થતી નથી. મૂળાધાર ચક્ર આત્મવિશ્વાસ વધારે છે. અસલામતીની ભાવના દૂર કરે છે અને સાથે સાથે વૃતિઓ ઉપર કાબૂ મેળવે છે.

ઋષિ પંતજલિ શુદ્ધિ યોગશાસ્ત્રમાં કહે છે કે,

।। तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेम्य: ।।

એટલે કે પૂર્વના અવિવેકના સંસ્કારોને લીધે તે વિવેકનિષ્ઠ ચિત્તના વિવેકાભાવરૂપ અવકાશોમાં અન્ય વૃત્તિઓ પણ ઉપજતી રહે છે. 

આપણને સુખી કરવા માટે બાહ્ય વસ્તુઓની આવશ્યક્તા દર્શાવવાવાળી જે વૃતિઓ આપણા ચિત્તમાં ઉદ્ભવે તે સર્વ કૈવલ્ય પ્રાપ્તિના માર્ગમાં વિધ્નકર્તા છે. મનુષ્ય પોતે સ્વભાવથી જ સુખ અને આનંદ સ્વરૂપ છે એ સત્ય જ જ્ઞાનને પૂર્વના વિપરીત સંસ્કારો વારંવાર ઉદભવીને ઢાંકી દે છે. માટે એ સંસ્કારોને ક્ષીણ કરવાની જરૂર છે.

હવે આ સંસ્કારો નાશ કઈ રીતે કરવા? યોગ કરવાથી જ એનો નાશ થઈ શકે છે અને આંતરિક સુખ કે કૈવલ્ય પદની પ્રાપ્તિ થઈ શકે છે. આ માટે તો ઘણા આસનો છે, જેમાંથી થોડાનો ઉલ્લેખ અહીં કરીએ. જેમ કે, સિદ્ધાસનમાં બેસવું, અધોમુખશ્રાનાઆસન, અર્ધચંદ્રાસન અને પદ્માસનમાં બેસી ધ્યાન કરવું. 

ધ્યાન શેનું કરવું? 

તો મૂળાધાર ચક્રનો લાલ રંગ, ચાર પાંદળીવાળો આકાર અને શરીરમાં નીચેે ગુદાના ભાગમાં એનું સ્થાન છે. મૂળાધાર ચક્રનો બીજમંત્ર છે “લ”. આ બીજ મંત્રનું ધ્યાનમાં બેસી chanting કરવું જોઈએ. 

એક ઉદાહરણ આપું. એક બહેન મારી પાસે આવ્યા. એમના પાડોશી મારી પાસે નિયમિત યોગ કરતા હતાં, પણ આ બહેનનો થોડા મહિનાથી અચાનક ગભરાઈ જાય, રડી પડે, ભૂલી જાય, ડર લાગે, જાણે આત્મવિશ્વાસ જ જતો રહ્યો હોય એવો સ્વભાવ થઈ ગયો હતો. મારી પાસે  યોગ કરતા હતા એ બહેનને ખબર કે યોગથી હેતલબેન આ બિમારીને ચોક્કસ સારી કરી શકશે એટલે એ મારી પાસે આવ્યા. મેં એમની નાડી તપાસી તો ખબર પડી કે એના શરીરની પ્રકૃતિમાં વાયુનો દોષ વધી ગયો છે. મેં એને સીધું એના મૂળાધાર ચક્રકાર્યશીલ થાય એવી ક્રિયાઓ કરવાનું શરૂ કરાવ્યું. 

સૌથી પહેલા લાલ રંગનું કપડું સાથે રાખવાનું અથવા લાલ રંગના અંદરના વસ્ત્રો પહેરવાનું ચાલુ કરાવ્યું. સાથે આસન, પ્રાણાયામ, ધ્યાન, રિલેક્શેસન નિયમિત કરાવ્યું. અઢી મહિનાના અંતે જે બહેન એકલા રસ્તો ઓળંગતા પણ ગભરાતા હતા એ મારે ત્યાં જાતે વાહન ચલાવીને આવતા થઈ ગયા. કહેવાનો મતલબ એ છે કે યોગ એ ભયને દૂર કરે છે.

ચિત્તને પરમ પરમેશ્વર સાથે જોડવું હોય તો યોગાભ્યાસ વિશે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ઘણી જગ્યાએ શ્રીકૃષ્ણ ભગવાને ઉલ્લેખ કર્યો છે. અર્જુને ઘણી જગ્યાએ શ્રીકૃષ્ણને ‘હે પરમ યોગી’, ‘હે યોગ સમાર્થ્ય’ તરીકે સંબોધ્યા છે.

મારે એક વાતની અહીં  સ્પષ્ટતા પણ કરવી છે. યોગ એ જીવનની દિનચર્યા સાથે વણાઈ જવું જોઈએ. રોજ જેમ દાંત સાફ કરીએ છીએ, રોજ સ્નાન કરીએ છીએ તેમ દરરોજ યોગ કરવાના જ. ત્યારે જ એની અસર મન પર અને શરીર પર થાય. જેમ આગળ કહયું કે યોગ એ શરીર અને આત્માનું મિલન છે, પરંતુ શરીર અને મન જ્યાં સુધી સાંસારીક માયાજાળમાં ફસાયેલું છે ત્યાં સુધી જીવનનું અંતિમ લક્ષ્ય ન મેળવી  શકાય.

એનો અર્થ એ નથી કે મોજ-શોખ ન કરવા કે વ્યવહારીક કામ ન કરવા. આ વાત માટે રાજ જનકના પ્રસંગો જાણવા જેવા છે. એ જળકમળવત જીવન જીવતા હતા. રાજા હતા, રાણી હતી, સંસાર હતો, રાજ વહીવટ હતો, બધું જ સરસ નિભાવતા હતા. પરંતુ સતત-ઈશ્વર સ્મરણમાં લીન રહેતા.

યોગ મનને, મનોબળને મજબૂત કરવા ઉપયોગી છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)