દીવાળીમાં ગૃહની શોભા પણ વધારો આ રીતે…

દીવાળી હવે આંગણે આવીને ઉભી છે ત્યારે દીપમાળાથી ઘર સજાવવાનું, નવા ડીઝાઇનર તોરણો લગાવવાનું, ફ્લાવર પોટ, સ્ટીકરથી ઘરને સજાવવુ આવશ્યક છે. દીવાળી શબ્દ પોતે જ એની સાથે રોશની અને નવો પ્રકાશ લઇને આવે છે. પરંતુ દિવડાઓ અને લાઇટ્સ સિવાય પણ ઘરને સજાવવા માટે બીજી ઘણી બધી વસ્તુઓ છે. દીવાળીમાં ઘરને અલગ-અલગ વસ્તુથી સજાવીને એક ટ્રેડિશનલ લુક આપવાનો ટ્રાય કરો.દીવાળી હોય કે કોઇ પણ તહેવાર હોય સજાવટમાં ફૂલ ન હોય તો અધૂરુ લાગે. પરંપરાગત રીતે ગલગોટા અને ગુલાબના ફૂલ ખૂબ જ સુંદર લાગે છે. ફૂલોની લડીને તમે પડદાની જેમ લગાવી શકો છો. તો ફૂલો અને ફૂલની પાંદડીઓથી રંગોળી પણ બનાવી શકો છો. શો પીસમાં રાખવા માટે ફૂલોને એક બાઉલમાં પણ ગોઠવી શકો છો. આ દીવાળીમાં ઘરને ફૂલોથી શણગારીને ઘરને એક નેચરલ લુક આપો. બાલ્કની કે લિવીંગ રૂમમાં અથવા તો ઘરના એન્ટ્રન્સમાં તમે ફૂલોથી રંગોળી બનાવી તેમા દિવડા ગોઠવી શકો છો. ડાઇનીંગ ટેબલ અને સોફાના ટેબલ પર માટીના બાઉલમાં પાણી ભરીને તમે ફૂલોને તરતા પણ રાખી શકો છો.

આ વર્ષે તોરણોમાં કંઇક નવુ જોવા મળી રહ્યુ છે. સાધારણ તોરણોની જગ્યાએ એલઇડી કેન્ડલ્સ, લાઇટ્સ, દીવા તરફ લોકો વધુ આકર્ષાઇ રહ્યા છે. આ પ્રકારની કેન્ડલ્સ લાંબો સમય સુધી ચાલે પણ છે અને આનાથી દાઝી જવાનો કે હવાના કારણે દીવો બુઝાઇ જશે એવો કોઇ ડર નથી રહેતો. આવી કેન્ડલ્સ તમે ઘરમાં કોઇ પણ જગ્યાએ રાખી શકો છો. આવી કેન્ડલ્સ સેલ અને ઇલેક્ટ્રીસિટીથી ઓપરેટ થાય છે એટલે બીજી કોઇ ઝંઝટ પણ નથી થતી. સિલિંગ અને ઘરના સજાવટ માટે એલઇડી લાઇટ્સ લોકો વધુ પ્રિફર કરી રહ્યા છે. દિવડા અને ફૂલોના આકારમાં પણ લાઇટ્સ મળી રહે છે.

મહારાષ્ટ્ર સાઇડ ખૂબ ચાલતા એવા કંડીલ હવે ગુજરાતમાં પણ લોકો પસંદ કરી રહ્યા છે. આ સિવાય તમે માટીના દિવડાઓને શણગારીને રંગ લગાવીને પણ ડેકોરેટ કરી શકો છો. તમે ઘર શણગારો છો ત્યારે એક થીમ પસંદ કરો કે તમારે ટ્રેડીશનલ, રોયલ કે મુગલ થીમ પર કરવુ છે. જૂની ડેકોરેટીવ આઇટમની જગ્યાએ ટ્રેડીશનલ કર્ટન્સ લગાવો. પિંક, યલો, પર્પલ, ગોલ્ડ જેવા શેડ્સ પસંદ કરો જેના કારણે ફેસ્ટીવ ફિલીંગ આવે. દીવડાઓને શણગારીને મલ્ટીકલરના અથવા તો મેટલના દિવડાઓ લગાવો. રાજાશાહી, ટ્રેડીશનલ ફ્રેમ્સ દીવાલ પર લગાવો.

માર્બલ પર મીનાકારી કરેલા પોટ્સ, ફ્રેમ્સ ખૂબ સુંદર લાગે છે. હોમ ડેકોર સ્ટોરમાં તમને દરેક પ્રકારની વસ્તુ મળી રહે છે એટલે તમારે એના માટે દરેક જગ્યાએ ફરવાની પણ જરૂર નહી પડે. આ સિવાય તમે ઘરે બેઠા જાતે પણ ફ્રેમ્સ, ફ્લાવર પોર્ટ બનાવી શકો છો. આ તહેવારમાં તમારા ઘરની દરેક વસ્તુ વપરાય જાય છે. આખુ વર્ષ માળિયામાં રહેલા કાચના ડિનર પ્લેટ્સને બહાર કાઢીને ઘરે આવતા મહેમાનને પણ એમાં સર્વ કરો. આજકાલ તો બજારમાં મળતી સિલ્વર ક્રોકરી પણ તમે ખરીદી શકો છો. જે ચાંદી તો નથી હોતી પરંતુ લુક ચાંદી જેવો જ આપશે.