‘મધર્સ ડે’ ઉજવણીની કેવી રીતે થઈ શરુઆત…

નવી દિલ્હી- ‘મધર ડે’ કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ન ચૂકવી શકાય. માનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે. આપણે આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર એ માતા પ્રત્યે સમ્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી પરંતુ મધર્સ ડેના દિવસે આપણે આપણી લાગણીઓને રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે. આ જ કારણે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 12 મે ના રોજ છે. માને સમ્માન આપનાર આ દિવસને કેટલાક દેશોમાં જૂદી જૂદી તારીખે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ભારત સહિત મોટાભાગના દેશોમાં મે મહિનાના બીજા રવિવારને જ મધર્સ ડે તરીકે ઉજવાય છે. મધર્સ ડેના દિવસે લોકો તેમની માતા પ્રત્યે અલગ અલગ રીતે લાગણીઓ રજૂ કરતાં હોય છે.

કેવી રીતે થઈ મધર્સ ડેની શરુઆત?

તમને જણાવી દઈએ કે, માતાને સમ્માન આપનાર આ દિવસની શરુઆત અમેરિકાથી થઈ. અમેરિકન એક્ટિવિસ્ટ ‘એના જાર્વિસ’ તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતી હતી. એના એ તેમના જીવનમાં ન તો કદી લગ્ન કર્યા કે ન તો કોઈ બાળકને જન્મ આપ્યો. માતાના મૃત્યુ પછી તેમના પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે તેમણે મધર્સ ડેની શરુઆત કરી. ત્યાર બાદ ધીમે ધીમે ઘણા દેશોમાં મધર્સ ડેની ઉજવણી શરુ થઈ.

મે મહિનાના બીજા રવિવારે જ શા માટે થઈ પસંદગી?

9 મે 1914ના રોજ અમેરિકન પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સનને એક કાયદો પસાર કર્યો જેમાં લખ્યું હતું કે, દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ મધર્સ ડે અમેરિકા, ભારત સહિતના કેટલાક દેશોમાં મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે.

આમ તો માતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા અને ગિફ્ટ આપવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી હોતી, તેમ છતાં પણ મધર્સ ડેના દિવસે માતાને વિશેષ સમ્માન આપવામાં આવે છે. માતાને ગિફ્ટ, મીઠાઈ અને ખૂબ જ પ્રેમ પીરસવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]