મે-જૂન ધન અને મિથુન રાશિના જાતકો માટે મહત્વના…

લેખ ખાસ એટલા માટે લખી રહ્યો છું કારણ કે લગભગ દોઢેક વર્ષ પહેલાં જયારે શનિ વૃશ્ચિક રાશિમાં હતો ત્યારે મારી આસપાસ નજીકના વર્તુળના જેટલાં પણ લોકો વૃશ્ચિક રાશિના હતાં તેઓ બધા શનિના વૃશ્ચિક રાશિના ભ્રમણમાં માનસિક રીતે ત્રસ્ત થઇ ગયાં હતાં. તેમના અનેક કાર્ય અટકી પડ્યાં હતાં. મને વૃશ્ચિક રાશિના ઘણાં લોકોએ વારંવાર પૂછ્યું હતું કે ક્યારે મુસીબતનો અંત આવશે, ક્યારે શનિ અમારી રાશિમાંથી જશે? બેશક જયારે શનિનો વૃશ્ચિકમાંથી ધનમાં પ્રવેશ થયો ત્યારબાદ ઘણાને લાભ થયાં અને મુસીબતમાં રાહત મળી છે. નજીકના ભૂતકાળમાં જોઈએ તો અગાઉ ૩૦ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન જયારે શનિ વક્રી બન્યો ત્યારબાદ દેશના પૂર્વ-દક્ષિણ ભાગે દુર્ઘટનાઓ ઘટી છે.

 

ધન અને મિથુન રાશિના જાતકો માટે:

ગ્રહોની આજકાલ જોઈએ તો નજીકના સમયમાં શનિ કેતુનો ધનમાં અને મંગળ રાહુનો મિથુનમાં યોગ થશે, જે અનુક્રમે ધન અને મિથુન રાશિના જાતકોના જીવનમાં અણધાર્યા પરિવર્તન લાવશે તેવું સ્પષ્ટ લાગે છે. પહેલા વાત ધન રાશિની, શનિ અને કેતુ બિલકુલ વિરુદ્ધ પ્રકૃતિના ગ્રહ અને બિંદુ છે, શનિ ઠંડો અને ધીમો છે જયારે કેતુ તામસી અને વૈરાગી છે, કેતુ તામસી ક્રોધી યોગી છે તો શનિ વિરક્ત શૂન્યમાં જીવતો સાધુ છે. આ બંનેનું મિલન ધનરાશિમાં થવા જઈ રહ્યું છે. ૦૬ જુન ૨૦૧૯ની આસપાસ શનિ અને કેતુનું ધનરાશિમાં મિલન થશે. સ્પષ્ટ અસર ૨૪ મે ૨૦૧૯ થી ૧૪ જુન ૨૦૧૯ દરમિયાન જીવનમાં અનુભવી શકાશે. આ દરમિયાન ધન રાશિના જાતકો માટે કાર્ય બાબતે બદલાવ આવી શકે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. બની શકે તો ચાલુ કાર્યને શાંતિથી વીતવા દેવું. ધનનો બચાવ કરવો. સતત તકલીફ કે પરેશાની આવી રહી હોય તો તલ અને શ્રીફળને સંકલ્પ કરીને નદીમાં કે વહેતા પાણીમાં વહેતા કરીને શાંતિ માટે સંકલ્પ કરવો. શનિદેવની શાંતિ માટે અંધ, અપંગ કે વૃદ્ધને યથાશક્તિ મદદ કરીને તેમના આશિર્વાદ લેવા.

ધન રાશિના જાતકોને પનોતીનો સમય ચાલી રહ્યો છે, શનિ ધન રાશિમાં૨૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધી ધન રાશિમાં રહે છે, જાન્યુઆરી ૨૦૨૦ પછી ધન રાશિના જાતકો માટે નાણાકીય સ્થિરતા અને માનસિક શાંતિનો માહોલ બનશે.

બીજી તરફ મિથુન રાશિમાં રાહુ અને મંગળની યુતિ ૧૫-૦૬-૨૦૧૯ની આસપાસ થશે, મંગળનો અધિશત્રુ બુધ પણ આ યુતિમાં શામેલ થશે. રાહુ અને મંગળ બંને પાપગ્રહ અને બિંદુ છે, રાહુ મિથુન રાશિમાં ખુબ ઉગ્ર બને છે, મોહ, માયા અને અહંકારને પોષે છે. આ સમયે જયારે મંગળ જે અગ્નિ તત્વનો ગ્રહ છે, વાયુ તત્વની મિથુન રાશિમાં જયારે રાહુને મળશે ત્યારે મિથુન રાશિના લોકો માટે આ સમય દરમિયાન અનેક ગણી ઉર્જા અને શક્તિનો અનુભવ થશે, આ શક્તિ જો યોગ્ય દિશામાં ના વળે તો જીવનમાં બેશક એક મોટું તોફાન પણ સર્જી શકે. ‘સ્વ’ એટલો મોટો ના થવો જોઈએ કે બીજા અક્ષર અને લોકો માટે તમારી પાસે જગ્યા ના રહે. મિથુન રાશિના જાતકો ખાસ કરીને માનસિક અને શારીરિક બાબતોમાં ખુબ ઉથલ પાથલ અનુભવે તેવું બની શકે. આ બાબત જો સકારાત્મક રીતે જોઈએ તો જો આ રાશિના જાતકો આ સમય દરમિયાન મહત્વના કાર્યમાં લાગેલા હશે તો તેઓ એક અપૂર્વ ગતિથી તેમાં આગળ વધશે, તેઓ એકસાથે હરણફાળ ભરશે, પરંતુ સાવધાન ગતિ સાથે ‘મતિ’ હોવી જોઈએ,

‘નજર હટી તો દુર્ઘટના ઘટી’ એ પણ યાદ રાખશો. મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન કોર્ટ કેસ, હરીફાઈ અને મતભેદના બનાવો બની શકે છે, આ બાબતે ખુબ સાવચેતી રાખવી જોઈએ. શાંતિ માટે હનુમાનજીની ઉપાસના મદદરૂપ થાય. મંગળ અને રાહુ બંને ગુરુદેવ પાસે પોતાના અવગુણોનો ત્યાગ કરે છે, માટે ગુરુ દત્તાત્રેયની ઉપાસના (દત્ત બાવની)પણ માનસિક શાંતિ આપે અને તકલીફોનું શમન કરે છે.

ગ્રહોના ભ્રમણનું રહસ્ય:

શનિ મહારાજ જે રાશિમાં હોય છે તે રાશિના લોકોને એ સમય દરમિયાન શનિ શું છે? જ્યોતિષ શું છે? તેનો અનુભવ શનિ દેવ ચોક્કસ કરાવતા હોય છે. તમારા જીવન પર ચોક્કસ અસર કરનારા ત્રણ બિંદુઓ તમારી કુંડળીમાં છે, તે છે લગ્નના અંશ (સૌથી વધુ મહત્વ), ચંદ્રના અંશ (બીજા ક્રમે મહત્વ) અને સૂર્યના અંશ. આ ત્રણ બિંદુઓ ઝડપી હોઈ અતિમહત્વના છે. જયારે સૌથી ધીમા ગ્રહો જેમ કે, પ્લુટો, યુરેનસ, નેપ્ચ્યુન, શનિ અને ગુરુ આ બિંદુઓ પરથી પસાર થાય છે ત્યારે તમારા જીવનમાં ચોક્કસ મોટી ઘટના ઘટે છે.