મા દીકરીના સંબંધને કોની લાગે છે નજર?

મા દીકરીના સંબંધમાં જેટલી નિકટતા હોય એટલી ભાગ્યે જ કોઇ સંબંધમાં હોય છે. પણ મા દીકરીના સંબંધ વચ્ચે કેટલીકવાર મતભેદ પણ થાય છે, ખોટું પણ લાગે છે અને પ્રેમ પણ ઉભરાય છે. મા દીકરીનો સંબંધ દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે. દીકરીને માનો પડછાયો ગણવામાં આવે છે. અને મા તેના પડછાયા પર દુનિયાની તમામ ખુશીઓ ન્યોછાવર કરી દેવા માગતી હોય છે. એક સ્ત્રી જ્યારે મા બને છે અને ખાસ કરીને જ્યારે એ એક દીકરીની મા બને છે ત્યારે તેના રૂપમાં એ તેની પૂરી જિંદગી જીવી લેવા માગતી હોય છે. આ પ્રેમભર્યા સંબંધમાં કેટલીકવાર ઝઘડો પણ થાય છે. પછી એ ઝઘડો લગ્ન પહેલા પણ થઇ શકે અને લગ્ન પછી પણ થઇ શકે. ટૂંકમાં એટલું જ કે મા દીકરીનો સંબંધ જિંદગીભર એવો ને એવો જ રહે છે.

એક માના દિલની વાત કરીએ તો છોકરી સમય પર ન ઉઠે, દિવસભર મોબાઇલમાં જ રહેવુ, ના પસંદ હોય તેવા કપડા પહેરવા જેવા મુદ્દાઓને લઇને મા દિકરી વચ્ચે ઝઘડો થતો રહે છે. આવી બાબતે ઝઘડો થવો એ તો દરેક ઘરની સામાન્ય બાબત થઇ ગઇ હશે. પરંતુ કેટલીકવાર ઝઘડા એવા હોય છે કે બંને વચ્ચે મોટી દિવાલ પેદા કરી દે છે. બંને એકબીજા સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતા અને કેટલીકવાર અલગ રહેવાનો પણ નિર્ણય કરી લે છે.

મા દિકરીનો સંબંધ આમ તો મિત્ર જેવો હોય છે. મા પોતાની તમામ વાતો દિકરીને કરે છે અને દિકરી પોતાની વાતો માને કરે છે. દિકરી તેના ફ્રેન્ડ્સ અને તેમની વાતો શેર કરતી હોય છે. ત્યારે ઘણીવાર એવુ બનતુ હોય છે કે તમારા મિત્રોમાંથી અમુક એવા મિત્રો હોય છે કે જે માને પસંદ નથી હોતા. ત્યારે તમારા મમ્મી એની સાથે સંબંધ રાખવાની ના પાડતા હોય છે પરંતુ દિકરીને માથે તો ફ્રેન્ડ્સ એવા છવાયેલા હોય છે કે મમ્મીની કોઇપાણ વાત સાંભળવા તૈયાર નથી હોતી. અને ઘરમાં ધીમે-ધીમે લડાઇ ઝઘડા ચાલુ થાય છે. દિકરીની અન્ય એક વસ્તુ જે પરેશાન કરતી હોય છે તે છે નોકરી. દિકરી નોકરી કરે એમા તો કંઇ જ સમસ્યા નથી હોતી. પરંતુ જ્યારે દિકરી ઓફીસથી ઘરે મોડી આવે છે ત્યારે આ સમસ્યા શરૂ થાય છે. કોઇ દિવસ તો આ ચલાવી લેવામાં આવે છે પરંતુ ધીરે ધીરે આ વસ્તુ ઝઘડાનો મુદ્દો બની જાય છે. ત્યારે દિકરી અલગ રહેવાનો નિર્ણય કરી લે છે.

જો દિકરીના લગ્ન એક સુખી સંપન્ન વાળા ઘરમાં કર્યા હોય તો તે સારી વાત છે. પરંતુ જ્યારે દિકરી પિયર રોકાવા આવે છે ત્યારે માતા પિતા પાસે એજ એશોઆરામ અને સુખસુવિધાની અપેક્ષા કરે છે જે તેેને સાસરામાં મળે છે. પરંતુ જો તમારી આર્થિક સ્થિતિ સામાન્ય હોય ત્યારે તમામ સુખસુવિધા કઇ રીતે પૂરી પાડશો. આ સમયે દિકરીએ સમજવાની જરૂર હોય છે. બીજી એક વાત દિકરી એવુ ઇચ્છે છે કે એને સાસરાના સ્ટેટસ પ્રમાણે લેણદેણ કરે. કારણ કે સાસરા વાળા સામે નીચુ જોવુ પડે છે અને સાસરાવાળાનું સાંભળવુ પડે છે. ત્યારે માતા પિતા દેવુ કરીને પણ દિકરીની ઇચ્છા પૂરી કરે છે કારણ કે તેને સાસરામાં ન સાંભળવુ પડે. ત્યારે માતા આ તમામ બાબતોને લઇને દિકરીને સમજાવે છે. પરંતુ દિકરીને પસંદ નથી પડતુ અને બંને વચ્ચે ખટપટ થાય છે. ત્યારે દિકરીને માતા પિતાથી વધુ પોતાની ઇઝ્ઝત, પ્રતિષ્ઠા વ્હાલી હોય છે. દિકરી ત્યારે એ ભૂલી જાય છે કે એને કઇ રીતે મોટી કરી છે એ વાતનું દુખ થાય છે.