કર્ણાટકમાં ‘ધર્મનું રાજકારણ’: ચૂંટણી પહેલાં લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો

બેંગાલુરુ- કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સત્તારુઢ કોંગ્રેસની સરકારે ફરી એકવાર ધર્મના નામે વોટબેન્કનું રાજકારણ રમવાની શરુઆત કરી છે. રાજ્યની કોંગ્રેસ સરકારે લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાની માગ સ્વીકારી લીધી છે. ભારતીય જનતા પાર્ટીએ આ ઘટનાની નિંદા કરતા સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે.આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં ધર્મગુરુઓ દ્વારા લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાની માગ કરવામાં આવી રહી હતી. હવે જ્યારે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા નાગમોહનદાસ સમિતિની ભલામણોને માન્ય રાખીને ચૂંટણી પહેલાં ધર્મનું રાજકારણ રમ્યું છે અને લિંગાયત સમુદાયને અલગ ધર્મ તરીકે માન્યતા આપવાની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે.

ગતરોજ લિંગાયત સમુદાયના ધર્મગરુઓએ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપવાની પોતાની માગ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી હતી. ઉપરાંત લિંગાયત સમુદાયનો લઘુમતિમાં સમાવેશ કરવાની માગ પણ કરવામાં આવી હતી. જેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સરાકરના આ નિર્ણયની નિંદા કરી છે અને જણાવ્યું છે કે, કર્ણાટક સરકાર સમાજને ધર્મના નામે વિભાજીત કરીને ચૂંટણીમાં ઉતરવા માગે છે. કર્ણાટકના બીજેપી પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે, રાજ્યની સિદ્ધારમૈયા સરકાર ઘણા લાંબા સમયથી લિંગાયતોને હિન્દૂ ધર્મથી અલગ કરવા પ્રયાસ કરી રહી છે. આ મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ. સિદ્ધારમૈયા આ અંગે નિર્ણય કરી શકે નહીં. બીજેપી પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, સિદ્ધારમૈયાના આ પ્રકારના નિર્ણયો સમાજને તોડવાની તેમની મનસિકતા દર્શાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]