પેટ ફૂલી જવાથી મહિલાઓ છે પરેશાન?

રેક મહિલાઓ સૌથી વધુ કોઇ સમસ્યાથી પીડાતી હોય તો એ છે મોટાપો. શરીર વધવાથી મહિલાઓ ખૂબ ટેન્શનમાં આવી જાય છે. અને એમાં પણ જો તમારુ પેટ વધી જાય તો શરીર બેડોળ થઇ જાય છે. પેટ મોટુ થઇ જતા, ફૂલી જતા મહિલાઓ ખૂબ પરેશાન થઇ જતી હોય છે. પરંતુ પેટ ફૂલી જવુ એ હવે ખૂબ સામાન્ય બાબત થઇ ગઇ છે. એવુ નથી હોતુ કે તમે વધુ ખોરાક ખાવ છો એટલા માટે તમારુ પેટ વધી જાય છે. પરંતુ પેટ વધવાના અન્ય પણ ઘણા કારણો હોય છે.

પેટ ફૂલી જવુ એટલે તેને બ્લોટિંગ પણ કહે છે જેમાં તમને પેટ ખૂબ ફૂલેલુ અને ટાઇટ લાગશે. સામાન્ય રીતે આ ગેસ સ્ટ્રબલના કારણે થતુ હોય છે જેમાં તમારુ પેટ ફૂલાય જાય છે અને પેટમાં દુખાવો પણ થાય છે. પુરુષોને પણ આ સમસ્યા થાય છે પરંતુ સૌથી વધુ મહિલાઓને આ સમસ્યા થતી હોય છે.

આ સમસ્યા કેવી રીતે થાય છે સૌથી પહેલા એનુ કારણ જાણીએ. પાચન સંબંધિત કોઇ સમસ્યા, કબજીયાત, ફૂડ એલર્જી જેવા કારણોથી પેટ ફૂલી જાય છે. અંતમાં તમને બેચેની જેવુ લાગશે અને બ્લોટીંગની સમસ્યા સર્જાશે. તમે ખાણી-પીણીમાં સોફ્ટ ડ્રીંક્સ, સોડા, ચા, કોફી અથવા ખોરાકમાં વધુ પડતુ મીઠુ અથવા ખાંડ ખાવી, અને ફાઇબરના ઓછાપાના કારણે પણ બ્લોટીંગની સમસ્યા સર્જાય છે. આ સિવાય સ્ત્રીઓને માસિક શરૂ થયા પહેલા અથવા પછી હોર્મોન સંબંધિત ફેરફાર થવાને કારણે બ્લોટીંગની સમસ્યા થાય છે.

આ દરેક સમસ્યાના ઉપાય હોય છે જે કરવાથી તમને આ બીમારીથી રાહત મળશે. જો તમને આવો પ્રોબ્લેમ થાય છે તો તમારે ચાલવાનું વધુ રાખવુ જોઇએ. જો મહિલાઓ એ સમજીને બેસી રહેશે કે તબિયત ખરાબ છે તો આરામ કરવો જોઇએ. પણ હકીકતમાં આ વિચારવુ ખોટુ છે. જો તમે શારીરિક રીતે સક્રીય રહેશો, કામ કરતા રહેશો અને ચાલતા રહેશો તો તમારા આંતરડા પણ એટલા જ સક્રીય રહેશે. કારણ કે જેટલુ તમે વધુ હલન-ચલન કરશો એટલા પેટના પ્રોબ્લેમ જલદી દૂર થશે. હલન-ચલન કરવાથી ગેસની સમસ્યા દૂર થશે.

કેટલાક યોગાસન એવા હોય છે કે જેના કારણે પેટની માંસપેશીઓ પર દબાણ પડે છે જે ગેસની સમસ્યાને દૂર કરે છે. મોટી ઉંમરની અથવા તો પગમાં કે કમરમાં દુખાવો હોય એવી મહિલાઓ કે જે યોગાસન નથી કરી શકતી તેવી મહિલાઓ માટે અન્ય ઉપાયો પણ છે. પેટના દુખાવા માટે એક અલગ પિપરમીટ ટેબલેટ આવે છે જે ખાવાથી આંતરડાની માંસપેશીઓ હળવી થાય છે. જેને એસીડીટી, છાતીમાં બળતુ હોય તેવી મહિલાઓએ આ ટેબલેટ ન લેવી જોઇએ.

અત્યારે બહારનું ખાવાનું એટલુ બધુ વધી ગયુ છે કે આવી સમસ્યા માત્ર મોટી ઉંમરની મહિલાઓને જ નહી પરંતુ કોલેજીયન યુવતીઓને પણ થાય છે. અને ઘણીવાર આ સમસ્યા નાના છોકરાઓને પણ થતી હોય છે જે આપણે સમજી નથી શકતા. આવા સમયે પેટમાં માલિશ કરશો તો એમને રાહત પણ થશે અને આંતરડા પણ સક્રીય થશે. મોટા આંતરડાની માલિશ કરવાથી વધુ ફાયદો થાય છે. આ સિવાય તમે થોડી હીંગ લઇને એમાં 2-3 ટીપાં તેલના નાખીને મિક્સ કરીને પેટની ડુટ્ટીમાં લગાવી દો એનાથી પણ રાહત મળશે.

સ્ત્રીઓને સૌથી વધુ તકલીફ માસિક વખતે વધુ થતી હોય છે. ત્યારે પેટનો દુખાવો, કમરનો દુખાવો વધુ રહે છે. એ સમયે સમજી શકાય છે કે મહિલાઓને કામકાજમાં, હલન-ચલનમાં થોડો દુખાવો વધુ રહે છે. તો આવા સમયે તમે યોગાસન, હલન-ચલન વધુ ન કરી શકતા હોવ તો તમે ગરમ પાણીથી નાહશો તો આરામ મળશે. હવે એવા લોકોની વાત કે જેમને કાયમ બ્લોટીંગ, ગેસની ફરીયાદ રહે છે એમણે પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવવાની જરૂર છે. બહારનું ખાવાનુ ઓછુ કરીને ફાઇબરવાળો ખોરાક વધુ ખાવો જોઇએ.

મહિલાઓએ રોજનું ઓછામાં ઓછુ 25 ગ્રામ જેટલુ ફાઇબર તો ખાવુ જ જોઇએ. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે વધુ પડતુ ફાઇબર ખાવાથી અથવા તો અચાનક ફાઇબરની માત્રા વધી જવાથી પણ બ્લોટીંગ અને ગેસની સમસ્યા વધે છે. દિવસભરમાં 70 ગ્રામથી વધુ ફાઇબર શરીર અને પેટ માટે નુક્સાનકારક હોય છે. તમે ફાઇબર ખાવાની શરૂઆત કરો તો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ધીમે-ધીમે ફાઇબર ખાવાની શરૂઆત કરવી જોઇએ. જો તમે એક સાથે વધુ ફાઇબરયુક્ત ખોરાક ખાઇ લેશો તો એ શરીરને પણ નુક્સાનકારક છે.હવે લોકોનું એવુ માનવુ છે કે પેટમાં દુખાય છે ત્યારે સોડા અથવા તો કોઇ કોલ્ડ ડ્રીક્સનું સેવન કરીશુ તો પેટનો દુખાવો ઓછો થશે. પરંતુ આ માન્યતા સાવ ખોટી છે. સોડા અને કાર્બોનેટેડ ડ્રીક્સમાં ગેસ હોય છે જે પેટને બ્લોટ કરી શકે છે. સોડામાં રહેલા કાર્બનડાયોક્સાઇડના કારણે બ્લોટીંગની સમસ્યા વધી શકે છે. આ સમસ્યાથી બચવા માટે વધુમાં વધુ પાણી પીવાનુ રાખો તો આ સમસ્યા દૂર થઇ જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]