વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી જ્યારે ગૃહિણીની આંખે કેમેરામાં ઝીલાય…અદભૂત!

પૃથ્વી પરની અનેક કુદરતી સંપત્તિ  પશુપક્ષી અને પ્રકૃતિ પાસેથી કરોડો લોકો પસાર થાય છે. પરંતુ એને જોવાનો કેટલાક લોકોનો નજરીયો કંઇક અલગ જ હોય છે. કેટલાક લોકો માટે જે સામાન્ય ઘટના હોય છે એ નિષ્ણાત કે વિચક્ષણ લોકો માટે અલગ છાપ છોડી જાય છે.

વેલ, એટલે જ વાઇલ્ડ લાઇફ , નેચર, લેન્ડ સ્કેપની તસવીરો નિહાળવી જોવી સૌને ગમે છે. પરંતુ એ તસવીરો કે ફિલ્માંકન કરવામાં કેટલી મથામણ-મહેનત ને મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ વિષયમાં ઉતરેલા લોકોને જ ખબર પડે..એમાંય આવી કપરી કામગીરી-શોખ જ્યારે કોઇ ગૃહિણીને હોય ત્યારે આશ્ચર્ય જરુર થાય…

અહીં વાત છે.. અમદાવાદના બિંદુ શાહની.. જે એકદમ ગુજુજુ ગૃહિણી છે. પરંતુ એમનો પ્રકૃતિ પ્રેમ અનેરો છે. નવ વર્ષની 6 જાન્યુઆરી સુધી એમની વાઇલ્ડ લાઇફ અને લેન્ડસ્કેપની અનોખી તસવીરોનું પ્રદર્શન અમદાવાદની ગુફા ખાતે મુકવામાં આવ્યું છે.

એક હાઉસ વાઇફ તરીકે તસવીર કળાનો અને એમાંય વાઇલ્ડ લાઇફ અને નેચરને કેમેરામાં કેદ કરવાનો શોખ કેવી રીતે જાગ્યો..?  જવાબમાં બિંદુબેન ચિત્રલેખાને કહે છે….ફોટોગ્રાફી કરવી મને નાનપણથી ગમે. મારા પિતાજીને પણ ફોટોગ્રાફીનો શોખ હતો. એ દરેક તબક્કે મને આ કળાનો શોખ જાળવી રાખવા  મદદ કરતા.

લગ્નબાદ પણ ઘરકામ કરતા, રસોઇ કરતાં જ્યારે ઘરની આસપાસ વૃક્ષ, બગીચા, ઝરુખે પક્ષીઓ દેખાય એટલે તસવીરો ખેંચવાનું ચાલુ રાખ્યું. ધીરે ધીરે પક્ષીઓની તસવીરો સરસ મળવા માંડી. આ શોખ વિકસતો ગયો.

છેલ્લા 7-8 વર્ષ થી પક્ષીઓને ઓળખવા માટેની મથામણ શરુ કર્યો. પક્ષીઓ કઇ પ્રકારના છે એ માટે નિષ્ણાતોની મદદ લેવાની શરુ કરી, સાથે પુસ્તકો પણ વસાવ્યા. સાથે એકદમ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે જુદા જુદા સ્થળો પર જઇ અનોખા પક્ષીઓની અનોખી અદા અને વાઇલ્ડ લાઇફ, લેન્ડ સ્કેપના ફોટોગ્રાફ્સ પણ કેમેરામાં કેદ કરવાનું શરુ કર્યું. આ માટે આફ્રિકાના જંગલોની પણ મુલાકાત લીધી.

યુ.એસ અને કેનેડામાં ગયા ત્યારે પણ કેટલીક અનોખી તસવીરો પાડવા મળી. આ પ્રદર્શનમાં 92 તસવીરો મુકવામાં આવી છે. જ્યારે વિવિધ વિષયો સાથેની તસવીરોના 48 જેટલા આલ્બલ તૈયાર કર્યા છે.

ફોટોગ્રાફી કરવાની પસંદગીની જગ્યા કઇ..? વડલા, પાણી અને હિમાલયાના વિસ્તારો જ્યાં એકદમ અલગ જ પ્રકારની તસવીરો મળે છે.

કઇ તસવીરો મળે ત્યારે આનંદ આવે…? કલર ફૂલ લેન્ડસ્કેપ્સ અને ચોક્કસ પશુ-પક્ષીના એક્શન ફોટોગ્રાફ્સ મળી જાય એટલે ફેરો સફળ…

પતિ ચૈતન્યભાઇનો ભરપૂર સાથ સહકાર બિંદુબેનને વધુ પ્રોત્સાહિત કરે છે.

તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]