સ્પા થેરાપીથી ફ્રેશનેસ અને અન્ય ફાયદા

નાળામાં અત્યારે એટલી બધી ગરમી લાગે છે કે લોકોના હાલ ખરાબ થઇ જાય છે. આખા દિવસના કામકાજ બાદ થાક વધારે લાગે છે અને તેના કારણે સ્ફૂર્તિ પણ નથી રહેતી, આળસ આવે છે અને સુસ્તી જેવુ પણ લાગે છે. આવા સમયે તમે શરીરને મસાજ અને અનેક પ્રકારના સ્પા દ્વારા સ્ફૂર્તિલું અને એક્ટિવ રાખી શકો છો.મસાજ અને સ્પા કરવાથી અનેક પ્રકારના ફાયદા પણ થાય છે જેમ કે તમે એક્ટિવ રહો છો. લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, ત્વચા પણ ગુલાબી અને ખીલીખીલી લાગે છે. મસાજ અને સ્પા પછી જાણે એવું લાગે છે કે શરીરનો તમામ થાક દૂર થઇ ગયો હોય. મસાજ અને સ્પાનાં કેટલાક પ્રકાર છે એમાંથી તમારે કયુ મસાજ કરાવવું એ તમારા થાક અને જરુરિયાત પર નક્કી કરી શકો છો.

સ્પા તમને ફ્રેશ તો ફીલ કરાવશે જ સાથે-સાથે અમુક બીમારીઓને પણ દૂર કરે છે. સ્પા કરતા પહેલા તો એ જાણો કે સ્પા શું છે, અને સ્પા થેરાપીની શરૂઆત ક્યાંથી થઇ છે. સ્પા શબ્દ એ લેટિન ભાષામાંથી આવ્યો છે. જેનો અર્થ થાય છે મિનરલથી ભરપૂર હોય તેવા પાણીમાં સ્નાન. સ્પા થેરાપીની સૌ પ્રથમ યુરોપના દેશોમાંથી શરૂઆત થઇ અને ધીમ-ધીમે દુનિયામાં તેનો વ્યાપ વધ્યો. સ્પામાં બોડી મસાજ, સ્ટીમ બાથ, હેર સ્પા, ફૂટ સ્પાનો સમાવેશ થાય છે. સ્પા કરાવવાથી તમે રિલેક્સ ફીલ કરશો અને સાથે જ સુંદર દેખાવામાં પણ મદદ કરે છે. પરંતુ જો તમે કોઇ બીમારી અથવા તો સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે સ્પા કરાવવા માગતા હોય તો ડોક્ટરની સલાહ લઇને સ્પા કરાવી શકો છો. અને સ્પાથી કોઇ આડઅસર પણ નથી થતી. સ્પા તણાવ દૂર કરીને બોડી રિલેક્સ કરે છે, તમ-મન સ્ફૂર્તિલુ રાખે છે.

સ્પા આમ તો બે પ્રકારના હોય છે એક છે વેટ અને એક છે ડ્રાય. વેટ મસાજમાં સ્ટીમ, સોના, જૂકોજીનો સમાવેશ થાય છે. જ્યારે ડ્રાય મસાજમાં ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોરનો સમાવેશ થાય છે. સ્પામાં માલિશ મહત્વનો ભાગ ભજવે છે. 45 મિનિટ કે એક કલાક સુધી મસાજ કરવામાં આવે છે. સ્પાના પણ અનેક પ્રકાર છે જેવા કે સ્વીડિશ મસાજ, બેલિનિસ મસાજ, થાઇ મસાજ, ઇંડોનેશિયન મસાજ, ડીપ ટિશ્યૂ મસાજ, ફેશિયલ મર્મા. સ્વીડિશ મસાજની વાત કરીએ તો શરીર પર ગોળ-ગોળ મૂવમેન્ટ કરીને આરામથી મસાજ કરવામાં આવે છે. આ મસાજ કરે ત્યારે એકદમ સોફ્ટ લાગે છે એટલે મહિલાઓ આ મસાજને વધુ પડતુ પસંદ કરે છે. અન્ય છે બેલિનિસ મસાજ જેમાં એકદમ પ્રેશર આપીને મસાજ કરવામાં આવે છે. એક્યૂપ્રેશર પોઇંટ્સ પર વધુ જોર આપવામાં આવે છે. ઇંડોનેશિયન મસાજમાં ઇંડોનેશિયન ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આમાં મીડ્યમ પ્રેશર આપવામાં આવે છે. થાઇ મસાજ સૌથી જૂનું મસાજ ગણવામાં આવે છે. આને ડ્રાય મસાજ પણ કહેવામાં આવે છે કારણ કે આમાં તેલની જગ્યાએ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. ડીપ ટિશ્યૂ મસાજ આ નામ જ તમને એના ગુણ જણાવી રહ્યુ છે. આ મસાજમાં પ્રેશર ખૂબ વધુ હોય છે, મોટે ભાગે સ્પોર્ટ્સપર્સન, જીમ જનારા લોકો આ સ્પાને કરવાનું વધુ પસંદ કરતા હોય છે. ફેશિયલ મર્મા મસાજ કોઇ ટ્રેનર પાસે જ કરાવવુ જોઇએ. કારણ કે આમાં શરીરના અલગ-અલગ ભાગો પર પ્રેશર આપીને મસાજ કરવામાં આવે છે. તમે કોઇપણ મસાજ કરાવો ખાલી પેટે કરાવવુ જોઇએ. નાસ્તો કર્યા બાદ ઓછામાં ઓછા દોઢ કલાક અને જમ્યા બાદ ઓછામાં ઓછા અઢી કલાક બાદ કરાવો. લોમિ-લોમિ મસાજમાં કાંડા અને હથેળીથી વધારે સ્ટ્રોક આપવામાં આવે છે. આ મસાજની અસર લોઅર બેક અને બેક પર વધારે થાય છે. આનાથી બોડીને આરામ મળે છે અને ત્વચા પણ સુંદર બને છે.

સ્પા કરાવવાથી શરીરને ઘણો આરામ મળે છે. શરીરને તાજગી મળે છે તેમજ ઉનાળામાં જે ત્વચા ટેન થઇ જાય છે તેમાંથી પણ રાહત મળે છે. ખાસ કરીને નોકરીયાત મહિલાઓ માટે સ્પા ખૂબ ફાયદાકારક રહે છે. કારણ કે આનાથી ટેન્શન ઓછુ થાય છે અને સકારાત્મક શક્તિ પણ મળે છે. શરીર પર કોઇ ફંગલ ઇન્ફેક્શન થયુ હોય એ પણ દૂર થઇ જાય છે. ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન માટે ઘણા લોકો ફીશ સ્પા પણ કરાવે છે.