વજુ કોટકઃ ૬૦મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ…

રંગતરંગ

ખડખડાવતા ટુચકાઓ…

મને પસંદ નથી…

દાદા સમક્ષ છોકરો આખી કવિતા કડકડાટ બોલી ગયો પણ જ્યારે ભાવાર્થ સમજાવવાનું કહ્યું ત્યારે એ સમજાવી ન શક્યો. દાદા ગુસ્સે થઈ ગયા અને તમાચો મારતાં કહ્યું, ‘સમજ્યા વિના બધું ગોખી નાખે છે એ મને પસંદ નથી. આવું ભણતર હું નહીં ચલાવી લઉં.
થોડા દિવસ પછી એવું બન્યું કે દાદા જ્યારે સ્નાન કરતી વખતે ઊંચા સાદે સંસ્કૃત શ્લોક બોલતા હતા ત્યારે છોકરાએ કહ્યું, ‘દાદા, તમે આવું બધું સમજ્યા વિના કેમ ગોખી રાખ્યું છે? એક દિવસ તમે આ બધા શ્લોકના અર્થ મારી બાને સમજાવી નહોતા શક્યતા તે યાદ છે?’

* * *

ઝડપ…

‘કલાકના ૮૦ માઈલની ઝડપે આપણે મોટર ચલાવી રહ્યા છીએ એ જાણીને તને આનંદ નથી થતો?’

‘ના આપણે જીવતા છીએ એ જ આપણા માટે નવાઈ છે!’

* * *

પ્રેક્ટિસ…

‘ડૉ. પારેખનું દવાખાનું એવું પાટિયું એક છોકરાએ વાંચ્યું. ડૉક્ટરની પ્રેક્ટિસ ચાલતી જ ન હતી અને એમને એમ બેસી રહેતા હતા. એક દિવસ એવું બન્યું કે ડૉક્ટરે દવાખાનું બંધ કર્યું અને ઘેર ગયા. એટલે એક છોકરાએ લખ્યું કે ‘ડૉ. પારેખનું હવાખાનું’.

* * *

 પૈસો બોલે છે…

પતિ બહારગામ જવા તૈયાર થયો ત્યારે પત્નીએ પૂછ્યું, ‘એમ કહેવાય છે કે ‘પૈસો બોલે છે’ એ સાચું છે?’

‘હં.’

‘તો પછી તમારી ગેરહાજરીમાં મને એકાંત ન લાગે એટલા માટે થોડા પૈસા મૂકતા જાઓ. જો પૈસા બોલતા રહે તો ઘરમાં ગમે અને દિવસો આકરા ન જાય, સમજ્યા?’

* * *

હાજરી…

શિક્ષકે કહ્યું, ‘છોકરાઓ! હવે હું તમારી હાજરી પૂરું છું. હું દરેકનું નામ લઈશ અને જે હાજર હોય તેણે ‘હાજર સાહેબ’ એમ કહેવું અને ગેરહાજર હોય તેણે ‘ગેરહાજર સાહેબ’ કહેવું.’

* * *

ખોટી જુબાની

ન્યાયાધીશને લાગ્યું કે સાક્ષી ખોટી જુબાની આપી રહ્યો છે. એમણે કહ્યું, ‘હું તમને એક વાત યાદ આપવા માગું છું. તમે જે કંઈ કહેશો તે સત્ય હશે એવા તમે સોગંદ લીધા છે.’

‘જી હા, મને યાદ છે.’

‘અને જો તમે જૂઠું બોલશો તો શું પરિણામ આવશે એ તમે જાણો છો?’

‘જી હા, હું આ કેસ જીતી જઈશ.’

* * *

પ્રધાન અને પદ્ધતિ

એક પ્રધાન ગામડાઓમાં ફરવા નીકળ્યા. એવામાં ખેતરમાં કામ કરતા એક ખેડૂત પાસે પહોંચ્યા અને વાતચીત કરતાં કહ્યું, ‘તમે હવે સૌ આધુનિક પદ્ધતિએ ખેતી કરતાં શીખો. સરકાર સાધનો પૂરાં પાડવા તૈયાર છે. જો નવી ઢબે ખેતી કરશો તો બમણો પાક ઊતરશે. તમારા ખેતરમાં અત્યારે જે ઘઉં છે એનાં કરતાં તમે ઘણું મેળવશો.’

ખેડૂતે કહ્યું, ‘સાહેબ, આ ઘઉં નથી, બાજરો છે.’