વજુ કોટકઃ ૬૦મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ…

અમે અને તમે

સવાલ-જવાબ….

‘ચિત્રલેખા’ પ્રગટ થયાના પ્રથમ અંકથી જ વાચકોના દૂર-સુદૂરથી તેમ જ દેશ-પરદેશથી અચૂક પત્રો
આવતા. એટલું જ નહીં, વાચકો વજુ કોટકને જાતજાતના સવાલો પણ પૂછતા. પોતાની સામાજિક
સમસ્યા, રીત-રિવાજ, શિક્ષણથી લઈને અમુક વાચકો રમૂજ ખાતર અલબેલા પ્રશ્ર્નો પૂછતા અને
વજુભાઈ રમતિયાળ શૈલીમાં માત્ર એક-બે કે ત્રણ શબ્દોમાં એનો પ્રત્યુત્તર પાઠવતા. ખૂબ જ ઓછા
શબ્દમાં હૃદયને સ્પર્શી જાય એવી એમની શૈલી ટૂંકા ગાળામાં લોકપ્રિય થઈ ગઈ.
વીજળીના ઝબકારા જેવા સવાલ અને જવાબ વાંચવાની વાચકોને અચૂક મજા પડશે.


સ. માણસ જો પરાજય પામે તો એને શું મળે?

જ. જો માણસ ઉત્સાહી હોય. આશાવાદી હોય, તો પરાજયની ખાલી પેટીમાંથી પણ વિજયનો ખજાનો મેળવી શકે છે. ખાલી પેટી જોઈને ફરી બેવડી શક્તિથી કામે લાગે છે અને આ શક્તિ પ્રાપ્ત થવી એ જ મોટો ખજાનો છે. પરાજયમાંથી જ ફળ મળે છે. નિષ્ફળતાથી જે યુવાન નિરાશ થતો નથી એના ભાવિ માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ સારા કામમાં તમારો પરાજય થાય તો તેથી જરાપણ શરમાવા જેવું નથી.

સ. કઈ ચીજ બૂરી અને કઈ ચીજ સારી?

જ. ખોટે રસ્તે મેળવેલી ગમે તે ચીજ હોય પછી તે ભલે લાખ રૂપિયાનો હીરો હોય પણ તે બૂરો છે જ્યારે સારે રસ્તે પ્રામાણિકપણે મેળવેલી ગમે એવી નાની ચીજ હોય પણ તે વધુ સારી છે.

સ. એક વખત હાથમાંથી ગયું તે શું?

જ. સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.

સ. જગતમાં સાચો અને કાયમી સાથી કોણ હોઈ શકે?

જ. ખુદા, એ જ આપણો કાયમી અને સાચો સાથી છે. પણ દુ:ખની વાત એ છે કે એને ભૂલીને, આપણે બીજાની શોધમાં ફરીએ છીએ.

સ. પ્રેમ કરવો એ પાપ છે?

જ. પ્રેમ કરવો એ પાપ નથી પણ કરીને ન નિભાવવો એ જરૂર પાપ છે.

સ. મહત્ત્વાકાંક્ષાને દાબી દે એવી વસ્તુ કઈ?

જ. મોજશોખ.

સ. માણસનો સ્વભાવ શેના પર આધાર રાખે છે?

જ. ભાવ અને અભાવ પર!

સ. દુનિયામાં સુખી માણસ કોણ?

જ. જેની સમક્ષ કોઈ પણ જાતના પ્રશ્ન નથી. તે.

સ. ભૂલી જવું એ ગુનો છે કે ગુણ?

જ. કામની વસ્તુ ભૂલી જવી એ ગુનો ગણાય. જ્યારે નકામી વસ્તુ ભૂલી જવામાં ગુણ રહેલો છે.

સ. બાળક એટલે શું?

જ. લગ્નજીવનનું વ્યાજ!

સ. સ્ત્રી-પુરુષ પાસે બદલામાં શું ઈચ્છે છે?

જ. માતૃત્ત્વ.

સ. કોણ કોનું સગું નથી થતું?

જ. દુ:ખ કોઈનું સગું થતું નથી.