કર્ણાટક: ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ખેલાઈ રહ્યો છે સૉશિઅલ મીડિયાજંગ

ર્ણાટકમાં ચૂંટણી તોળાઈ રહી છે ત્યારે પ્રચારમાં સૉશિયલ મિડિયા ખૂબ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે. ભાજપના નેતાઓ કથિત રીતે ગોમાંસ ખાતા હોય તેવો એક ટૂંકો વિડિયો કર્ણાટકની કૉંગ્રેસ બહુ પ્રચારિત કરી રહી છે. આવા તો કેટલાય વિડિયો કૉંગ્રેસે બનાવ્યા છે જે ભાજપની પોલ ખોલવાનો પ્રયાસ છે તો સામે પક્ષે ભાજપ પણ કંઈ પાછળ નથી. તેણે પણ આવા વિડિયો બનાવ્યા છે.કૉંગ્રેસે ‘રેસિપી ફૉર ડિઝાસ્ટર’ નામના વિડિયો સાથે આની શરૂઆત કરી છે. આ વિડિયો યોગી આદિત્યનાથના શાસન પર કટાક્ષ છે. ભાજપે તેના જવાબમાં એક વિડિયો બનાવ્યો છે- ‘બીફ બિરયાની’. આ વિડિયોમાં મુખ્યપ્રધાન સિદ્ધરામૈયા પર કટાક્ષ કરવામાં આવ્યો છે અને તે કટાક્ષ રાજ્યમાં ગોહત્યા પર પ્રતિબંધ નહીં મૂકવા માટેનો છે.

ભાજપના વિડિયોના જવાબમાં તાજેતરમાં ‘કર્ણાટક બીફ પાર્ટી’ નામનો વિડિયો બહાર આવ્યો છે. તેમાં ગોવાના મુખ્યપ્રધાન મનોહર પાર્રીકર અને કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન કિરણ રિજિજુને તેમના સમર્થકો સાથે બતાવવામાં આવ્યા છે જે ગોમાંસ ખાવાને સમર્થન આપે છે.

આ વિડિયો ટ્વિટર અને ફેસબુક પર રજૂ કરવામાં આવ્યા છે. બંને રાજકીય પક્ષોને આશા છે કે આ વિડિયો વૉટ્સએપ પર પણ પહોંચી જશે. બંને પક્ષોના સૉશિયલ મિડિયા સેલના કહેવા મુજબ, શહેરોમાં સૉશિયલ મિડિયાની સાઇટો વધુ જોવાય છે, પરંતુ ગ્રામીણ પ્રદેશોમાં વૉટ્સએપની બોલબાલા હોય છે. તેમના માનવા મુજબ, વૉટ્સએપ એટલે ભૂતકાળમાં જે બોલીને પ્રચાર થતો તેના જેવું. (માઉથ પબ્લિસિટી)

ચૂંટણી અભિયાન શરૂ થાય તેના અનેક મહિના પહેલાં ભાજપ અને કૉંગ્રેસ તેમના પક્ષોના સંદેશાઓ ફેલાવવા માટે વૉટ્સએપ ગ્રૂપો રચવા લાગ્યા છે. ભાજપના આઈટી સેલનાં સૂત્રો જણાવે છે કે રાજ્યમાં સાત હજારથી વધુ સક્રિય વૉટ્સએપ ગ્રૂપો છે. કૉંગ્રેસ તરફથી કોઈ આંકડો જાહેર નથી કરાયો, પરંતુ તે પણ રાજ્યના અનેક મતવિસ્તારોમાં વૉટ્સએપ ગ્રૂપો ચલાવે છે.

રસપ્રદ વાત એ છે કે કર્ણાટક ભાજપના ટ્વિટર ખાતાના ૧.૩૨ લાખ ફૉલોઅર જાન્યુઆરી, ૨૦૧૮ની સ્થિતિએ છે. પરંતુ તેમના વૉટ્સએપ ગ્રૂપોની પહોંચ ઘણી બધી છે. દરેક ગ્રૂપમાં ૧૦૦ સભ્યો હોય છે અને આ રીતે રાજ્યભરમાં સભ્યોની સંખ્યા સાત લાખથી ઉપર થવા જાય છે. જોકે દરેક ગ્રૂપમાં ૧૦૦ સભ્યો તો ઓછામાં ઓછા હોય છે. હવે તો ૨૦૦ આસપાસ સભ્યો ઉમેરી શકાય છે.

જે લોકો આ ગ્રૂપોના ભાગ છે તે લોકો કાં તો ભાજપના સભ્યો છે અથવા તો તેના સમર્થકો છે. આ સભ્યો એક વાર તેમના સંપર્કોને સામગ્રી પહોંચતી કરે છે પછી તો તેની અસરનો ગુણાકર થઈને સાત લાખ કરતાં વધુ લોકો સુધી પહોંચી જાય છે. ગ્રામીણ વિસ્તારમાં ફેસબુક અને ટ્વિટર કરતાં વૉટ્સએપને જોનારા લોકોની સંખ્યા ઘણી વધુ છે તેમ ભાજપના એક કાર્યકર્તાનું માનવું છે.

ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષમાં ચૂંટણી થઈ અને તેમાં ભાજપને ઝળહળતી સફળતા મળી. તેમાં વૉટ્સએપ પ્રચારનો બહુ નોંધપાત્ર ફાળો હતો. આથી માત્ર ભાજપ જ નહીં, કૉંગ્રેસે પણ વૉટ્સએપ પ્રવૃત્તિઓ પર નજર રાખવા સમુદાયો બનાવ્યા છે.

કૉંગ્રેસ અને ભાજપે રાજ્ય જિલ્લા અને અરે! બૂથ સ્તર સુધી વૉટ્સએપ પર નજર રાખવા ટુકડીઓ રચી છે. આ ટુકડીઓ એ વાતનું ધ્યાન રાખે છે કે જે સામગ્રી આવે તે જે તે પ્રદેશની ખાસિયત મુજબ જાય. બની શકે કે બેંગ્લુરુ માટેની સામગ્રી તટીય કર્ણાટક કરતાં અલગ હોય. જેમ ગુજરાતમાં સૌરાષ્ટ્રની ભાષા અને ઉત્તર ગુજરાતની ભાષા અને ખાણીપીણી અલગ પડે છે તેના જેવી વાત છે.

આવનારા દિવસોમાં કર્ણાટકમાં ચૂંટણી જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ આ સોશિયલ મિડિયા જંગ જામવાનો છે. બાય ધ વે, ગુજરાતની લડાઈ હવે ભૂલાઈ ગઈ છે. બધાં પોતપોતાનાં કામમાં પડી ગયાં છે.