કેટલીક ખરીદી એવી હોય છે કે લોકો બહુ ઝીણવટથી તપાસ કર્યા વગર કરી લેતાં હોય છે. પછી જ્યારે તે ચીજનો વપરાશ કરે ત્યારે ખબર પડે કે આ તો ભૂલ થઈ ગઈ. પૈસા પડી ગયાં. હવે શું? રીલાયન્સ જિઓના ફૉનમાં કદાચ કેટલાક ગ્રાહકોને આવું જ થતું હશે. રિલાયન્સ જિઓએ બહુ સસ્તા ભાવમાં ફૉન બહાર પાડ્યો હતો. પરંતુ ઘણાં લોકોને તેમાં એક વાતની તો ચોક્કસ ખોટ સાલે છે અને તે છે વૉટ્સએપ. અને આજકાલ તો વૉટ્સએપ એ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. વૉટ્સએપ ન હોય તો જીવન અધૂરું લાગે. વૉટ્સએપ જોયા વગર સવારની ચા અને રાતનું જમવાનું ન ભાવે. પરંતુ જિઓ ફૉનમાં જો વૉટ્સએપ ન હોય તો શું કામનો આવો પ્રશ્ન કેટલાક ગ્રાહકો કદાચ મનમાં વિચારતા હોય તેમ બની શકે.આવી સ્થિતિમાં કેટલાક ટૅક્નૉલૉજી નિષ્ણાતોએ રસ્તો બતાવ્યો છે કે તેમાં વૉટ્સએપ ચલાવવું હોય તો ચલાવી શકાય છે. તેના માટે કોઈ અલગ નાણાં ચૂકવવાની જરૂર નથી. અમે તમારા સુધી પહોંચાડીએ છીએ જિઓમાં વૉટ્સએપ વાપરવાનો કીમિયો. આમ તો તમે આ કીમિયો અડધોપડધો તો જાણો જ છો. તમે આખો લેખ વાંચ્યા પછી કહેશો કે આ કીમિયો કેટલાક અંશે અમને ખબર જ હતી.
ચાલો, એક પછી એક ડગ માંડતા જઈએ અને કઈ રીતે વૉટ્સએપ વાપરી શકાય તે સમજીએ. પહેલાં તો ફૉન બ્રાઉઝરમાં www.browserling.com આ નામની વેબસાઇટ ખોલો. વેબસાઇટનો સ્પેલિંગ બરાબર થાય તેની કાળજી લેજો. આજકાલ ગૂગલ બાબામાં સ્પેલ ચેક આવતું હોવાથી ઘણા સાચા સ્પેલિંગની કાળજી લેતા નથી. પરંતુ દર વખતે ગૂગલ મદદ કરે તેવું ન પણ બને. તે ખોલતાં તમને નીચે કેટલાક બ્રાઉઝરના વિકલ્પો દેખાશે. ડ્રૉપ ડાઉન મેનુમાંથી તમે ક્રૉમ બ્રાઉઝરનો વિકલ્પ પસંદ કરો.
આ તો થયું પહેલું પગલું. બીજા પગલામાં વેબસાઇટમાં આપવામાં આવેલા એડ્રેસ બારમાં web.whatsapp.com લખો અને તેને ખોલો. તમને સૌથી પહેલી લાઇન દેખાશે – WhatsApp on Jio Phone by Browserling.
તેમાં તમને રજિસ્ટર થવાનું અથવા લૉગ ઇન થવાનું કહેવાશે. તેમ કરો. જો તેમ ન કરવાનું કહેવામાં આવ્યું હોય તો કદાચ સીધું ત્રીજું પગલું આવી શકે. આ ત્રીજું પગલું છે QR કૉડનું. જે સ્માર્ટ ફૉનમાં તમે વૉટ્સએપ ચલાવતા હો તેનાથી જિઓ ફૉનમાં દેખાતા QR કૉને સ્કેન કરો. આ રીતે તમારા જિઓ ફૉનમાં જ વૉટ્સએપ ખુલી જશે.
જેમ ભગવાન વામને ત્રણ ડગમાં બલિ રાજા પાસેથી સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ માગી લીધા હતા, તેમ તમે આ ત્રણ ડગમાં તો જિઓ ફૉનમાં વૉટ્સએપ વાપરતા થઈ ગયાં, ખરું ને.
તમે જ્યાં સુધી વૉટ્સએપમાંથી લૉગઆઉટ નહીં કરો ત્યાં સુધી તે ચાલુ રહેશે.
હવે તમને લાગ્યું હશે કે અરે રે. આ તો અમે જાણતા જ હતાં. જી હા, કમ્પ્યૂટર કે લેપટૉપ પર વૉટ્સએપ વાપરવાની આ ટ્રિક તો જાણીતી જ હતી, પરંતુ જિઓ ફૉન પર તેને કઈ રીતે વાપરવી તે નવું છે. તે માટે તમારે Browserlingનો સહારો લેવો પડે છે.