અખંડિતતાના શિલ્પી સરદારનું વૈશ્વિક સ્ટેચ્યૂ, ગુજરાતી ગૌરવનો આ છે સિલસિલો

અમદાવાદ- સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. દ્રઢ સંકલ્પ, સ્પષ્ટ નીતિ અને નિયતથી ગુજરાતે આ કરી બતાવ્યું છે. આઝાદી બાદ અખંડ ભારતને એકતાના સૂત્રથી બાંધનારા લોહપુરુષ સરદાર પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાના નિર્માણનો સંકલ્પ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. જે હવે સાર્થક થવા જઈ રહ્યો છે.

એ સમયે ઘણાં લોકોને વિશ્વાસ ન હતો કે, આટલી ઊંચી પ્રતિમા સાકાર થશે, પરંતુ નરેન્દ્ર મોદીનું સૂત્ર છે તે પ્રમાણે, જેનું ખાતમુહૂર્ત કરે તેનું ઉદઘાટન પણ કરવાનો તેમની સરકારનો ઉપક્રમ છે, તે તેમણે કરી બતાવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે ગુજરાતની જીવાદોરી મા નર્મદાના સાનિધ્યથી વિશેષ કોઇ સ્થળ ન હોઇ શકે તે ન્યાયે સરદાર સરોવરની સામેની સાધુ બેટની વિશાળ જગ્યા પસંદ કરવામાં આવી.

૩૧ ઓક્ટોબર-૨૦૧૩ સરદાર પટેલ જન્મજયંતીના દિવસે જ મોદીએ પોતાના દ્રઢ સંકલ્પને સાકાર કરવાના મક્કમ ઇરાદાને મૂર્તિમંત કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખાતમુહૂર્ત બાદ વર્ષ ૨૦૧૪-૧૫ના બજેટમાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂા.૫૦૦ કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી, આ સપનું સાકાર થવાની દિશાનું આ પ્રથમ મક્કમ પગલું હતું.

જોતજોતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી જોરશોરથી ચાલુ થઇ. ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ૨૭ ઓક્ટોબર-૨૦૧૪ના રોજ સ્ટેચ્યુના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવાનો વર્ક ઓર્ડર એલ એન્ડ ટી કંપનીને આપ્યો અને શરૂ થઇ યુદ્ધના ધોરણે સ્ટેચ્યુના નિર્માણની કામગીરી. ૧૫મી ડિસેમ્બર-૨૦૧૪ના રોજ રાફ્ટ કોન્ક્રીટીંગની કામગીરીનો પ્રારંભ થયો.  સાથેસાથે માર્ચ-૨૦૧૬માં બ્રિજના નિર્માણનું કામ પણ પુર જોશમાં આગળ વધ્યું.

આ સ્મારકના નિર્માણનું કામ જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું કાર્ય પીઠિકાના નિર્માણનું છે. જ્યાં ૪૬૪૭ ચો.મી.માં ફેલાયેલું પ્રદર્શન આકાર પામ્યું છે. આ પીઠિકા સાથે મૂળ સ્ટેચ્યુના પાયાનું બાંધકામ સપ્ટેમ્બર-૨૦૧૭માં પૂર જોશમાં શરૂ થયું.

આ સ્મારક નિર્માણની કામગીરી વધુ ને વધુ ઝડપથી આગળ વધતી રહી. અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સીધી દેખરેખ હેઠળ ઓગસ્ટ-૨૦૧૮માં અડધા ઉપરાંતની કામગીરી પૂર્ણ થઇ.આખરે ઓકટોબર-૨૦૧૮ સુધીમાં તો સ્ટેચ્યુ લગભગ તૈયાર થઇ ગયું. હવે આખરી ઓપ આપવાનો બાકી હતો એ સાથે લોકોને હવે બરાબર ખ્યાલ આવી ગયો કે નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થઇ ગયું છે. હવે જ્યારે ૩૧મી ઓકટોબર-૨૦૧૮ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્મારક રાષ્ટ્રને અર્પણ કરશે ત્યારે ૩૧મી ઓકટોબર-૨૦૧૩ના ખાતમુહૂર્તથી લઇને ૩૧મી ઓકટોબર-૨૦૧૮ સુધીની પાંચ વર્ષની નિર્માણ યાત્રાનો અંત આવશે. દ્રઢ સંકલ્પ શક્તિ અને લીધેલા સંકલ્પને સાકાર કરવાની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ વિના આ શક્ય નથી બનતું… એક ગુજરાતીએ આ કરી બતાવ્યું છે.