તારાઓના દેશમાં ચશ્માંવાળી બેબી ડૅડીને ગુડ નાઇટ કરીને સૂઈ ગઈ હતી

(ભાગ્યે જ કોઈ સર્જક એવા મળે જેમને વાચકોએ દિલ ફાડીને પ્રેમ કર્યો હોય! ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યમાં એક એવું નામ છે, જેમણે ગુજરાતી વાચકોની એક આખેઆખી પેઢીને પોતાની કલમથી વશ કરી છે.‌ ગુજરાતી વાચકોના લાડીલા એવા બક્ષીબાબુનો આજે 92 મો જન્મદિવસ છે ત્યારે એમની એક બહુ લોકપ્રિય નીવડેલી વાર્તા અહીં પ્રકાશિત કરીએ છીએ. આ સૌજન્ય માટે બક્ષીસાહેબના દીકરી રીવાબહેનનો આ ક્ષણે ખાસ આભાર…- તંત્રી) 

ગુડ નાઇટ, ડેડી !

(ચંદ્રકાંત બક્ષી)

એણે જોયું, બેબી વાર્તા સાંભળતાં-સાંભળતાં જ સૂઈ ગઈ હતી.

ધીરેથી એણે બેબીના વાળની બંને રેશમી રિબનો ખોલી. પછી એક પછી એક હેરપિનો કાઢી લીધી, વાળ છૂટા કર્યાં અને માથા પર હાથ ફેરવ્યો. ગાલ પર એક બચ્ચી ભરી. કહેવાનું મન થયું, ‘ગુડ નાઇટ, ડાર્લિંગ.’

સવારની ફ્લાઇટથી જવાનું હતું, બેબીને.

ટેબલ પર પડેલી જૂની ડબલ લાઇનવાળી નોટનું પાનું ફફડ્યું. એ ઊભો થયો. હોમવર્કવાળી નોટ ઠીક કરીને બૅગમાં મૂકતાં એનાથી વંચાઈ ગયું. આડાઅવળા અક્ષરે અંગ્રેજીમાં પેન્સિલથી લખ્યું હતું. ‘ફેરી પિંક કુડ નૉટ ફ્લાય, ફૉર હર વિંગ્સ વેર વેટ.’ પાંખો ભીંજાઈ ગઈ હતી એટલે ફેરી પિંક ઊડી શકતી ન હતી. ફેરી પિંક પરી હતી. નદીને કિનારે રહેતી હતી. લાઇલેકનાં ફૂલો વચ્ચે ઊડતી હતી. એ ઊડતી હતી એટલે ફૂલો હાલતાં હતાં અને પંખુડીઓ પરથી શબનમ ઝરતું હતું. અને જ્યાંજ્યાં શબનમનું એકએક ટીપું ઝરતું હતું ત્યાં ત્યાંથી એકએક પતંગિયું પાંખ ફડફડાવીને ઊડી જતું હતું.

એણે નોટ બંધ કરી અને બૅગમાં મૂકી.

એણે કહેલું, ‘બેટા, વહેલી સૂઈ જા. કાલે વહેલાં ઊઠીને તૈયાર થવાનું છે.’

‘કેમ?’

‘કાલે વહેલાં ઊઠવાનું છે. પછી તું ઊઠીશ નહીં.’

‘ઊઠીશ. મને વાર્તા કહો.’

એણે વાર્તા બનાવવા માંડી, ‘એક બેબી હતી….’

‘મારા જેવી?’

‘હા, તારા જેવી, પણ એના વાળ તારા કરતાં લાંબા હતા.’

‘કેટલા લાંબા, ડેડી?’

‘બહુ લાંબા.’

‘એ ચશ્માં પહેરતી હતી?’

એ હસ્યો. પછી યાદ આવ્યું, મમ્મી ચશ્માં પહેરતી હતી એટલે અને એ ગમગીન થઈ ગયો. સંયત થયો. ફરી હસ્યો. ‘તને કેવી રીતે ખબર પડી ગઈ?’

‘મને ખબર નથી.’

‘અચ્છા, એ ચશ્માં પહેરતી હતી.’

‘આપણી મમ્મી પણ ચશ્માં પહેરે છે ને ?’ ‘હા, મમ્મી પણ ચશ્માં પહેરતી હતી. એ બેબીનાં ચશ્માં મમ્મી કરતાં નાનાં હતાં.’

‘એ જોઈ શકતી ન હતી?’

‘જોઈ શકતી હતી. બહુ નહીં.’

‘ચશ્માં પહેરે એટલે ન રડાય?’

‘રડાય.’

‘પછી?’

‘પછી એ બેબી એક વાદળ પર બેસી ગઈ. એ વાદળમાં બહુ પાણી હતું.’

‘બેબી ભીંજાઈ ગઈ?’

‘ના, બેટા. એ બેબી વાદળ પર બેસી ગઈ અને વાદળ આકાશમાં વહેતું હતું. અને એક નાનું લીલું પક્ષી બહુ થાકી ગયું હતું, ઊડી-ઊડીને. પાંખો ફફડાવતું-ફફડાવતું એ વાદળ પર બેસીને શ્વાસ ખાવા લાગ્યું, અને…’

‘એ રસ્તો ભૂલી ગયું હતું?’

‘હા, એ રસ્તો ભૂલી ગયું હતું.’

‘રાત પડી ગઈ?’

‘ના, રાત ન હતી, પણ અંધારું થઈ ગયું હતું, એટલે પક્ષી ગભરાતું હતું. બેબીની પાસે બેસી ગયું.’

‘એને ડર લાગતો હતો?’

‘ડર લાગે ને? આટલા મોટા આકાશમાં એકલું ઊડ્યા કરે તો ડર લાગે ને?’

‘લાગે.’

‘એટલે બેબીએ પક્ષીને પૂછ્યું, પક્ષી, તું ક્યાં રહે છે?’

‘પક્ષી, ક્યાં રહેતું હતું ?’

‘પક્ષીએ કહ્યું કે હું તો એક તારામાં રહું છું. એ તારો અહીંથી બહુ દૂરદૂર છે.’

‘કેટલો દૂર?’

‘ખૂબ દૂર. મામાનું ઘર છે ને, એટલો બધો દૂર.’

પક્ષી રડવા લાગ્યું.

‘ના. એ કહે, બેબી, હું રસ્તો ભૂલી ગયું છું. મને વાદળ પર બેસવા દઈશ ? બેબી કહે, હા જરૂર બેસવા દઈશ’. પછી પક્ષી બેઠું. અને વાદળ આગળ વહેવા લાગ્યું.

‘એ ઊંડી ઊડીને થાકી ગયું હતું?’

‘હા, બેટા. એ ખૂબ ઊડી ઊડીને થાકી ગયું હતું, એટલે વાદળ પર બેબીની સાથે બેસી ગયું.’

‘પછી?’

પછી ચશ્માંવાળી બેબીએ લીલા પક્ષીને પૂછ્યું, ‘પક્ષી, તને ગાતાં આવડે છે?’

પક્ષીએ કહ્યું, ‘મને તો ગાતાં આવડે જ ને!’

બેબીએ પૂછ્યું, ‘મને એક ગીત સંભળાવીશ?’

‘પક્ષીને ગીત ગાતાં આવડે, ડૅડી?’

‘આ પક્ષીને આવડતું હતું, બેટા. એણે ગાયું.’

‘બેબીને મજા પડી?’

‘ખૂબ મજા પડી. બેબી ખુશ થઈ ગઈ. ઊભી થઈ. ખૂબ નાચી. એ નાચી. એટલે વાદળું હાલ્યું. અને વાદળમાંથી વરસાદ પડવા લાગ્યો.’

‘તમે તો કેવી ફાઇન વાર્તા કરો છો, ડૅડી!’

‘તને ગમે છે?’

‘હા, મને બહુ ગમે છે. પછી શું થયું?’

‘ખૂબ વ૨સાદ પડ્યો, વાદળું ખાલી થઈ ગયું. વરસાદ નદી ઉપર પડ્યો અને પર્વતો ઉપર પડ્યો. જમીન ઉપર પડ્યો. ઝાડો પર પડ્યો. પાંદડાંઓ પર પડ્યો.’

‘ઝાડ ભીંજાઈ ગયાં?’

‘હા. એક ઝાડ હતું. એનાં પાંદડાં પીળાં પડી ગયાં હતાં. એમાં એક કેસરી કીડી રહેતી હતી.’

‘એ પણ ભીંજાઈ ગઈ?’

‘હા. કેસરી કીડી પીળા પાંદડા પર સૂતી હતી. હવા આવી એટલે પાંદડું તૂટવા લાગ્યું. કીડીની પાંખો ભીંજાઈ ગઈ. એ ઊડી શકી નહીં. પછી એ રડવા લાગી.’

‘કીડી કેમ રડવા લાગી?’

‘એની પાંખો ભીંજાઈ ગઈ ને, બેટા, એટલે. એ ઊડી શકે નહીં એટલે રડે.’

‘ડૅડી, ફેરી પિંકની પાંખો પણ ભીંજાઈ ગઈ હતી. એ પણ રડતી હતી.’

‘આ કીડી પણ ફેરી પીંકની જેમ રડવા લાગી. કહેવા લાગી, મારી પાંખો ભીંજાઈ ગઈ. હવે હું નહીં ઊડી શકું.’

‘બેબીએ એની પાંખો લૂછી નાંખી?’

‘ના. ત્યાં એક જાડો દેડકો બેઠો હતો. એનું ગળું હાલતું હતું અને આંખો બહાર નીકળી ગઈ હતી. કીડીની પાંખો ભીંજાઈ ગઈ ને એટલે એ હસવા લાગ્યો.’

‘પછી?’

‘પછી સૂરજ ચમક્યો. આકાશ ગરમ થયું. નદી ગરમ થઈ. પર્વતો ગરમ થયા. જમીન ગરમ થઈ એટલે કીડીની પાંખો પણ સુકાઈ ગઈ.’

‘કીડી ઊડી ગઈ?’

‘તડકો ખૂલ્યો એટલે કીડીની પાંખો સુકાઈ ગઈ અને દેડકાની આંખો ધૂપમાં બંધ થઈ ગઈ. કીડીની પાંખો તડકામાં ચકચક થવા લાગી. પછી કેસરી કીડી ઊડવા લાગી, લીલું પક્ષી ગાવા લાગ્યું, ચશ્માંવાળી બેબી નાચવા લાગી.’

‘કેવું ફાઈન, ડૅડી!’

‘પછી સામે એક મેઘધનુષ્ય ખૂલી ગયું.’

‘મેઘધનુષ્ય એટલે?’

‘વરસાદ પડે અને સૂરજ ચમકે એટલે આકાશમાં સાત હલકા-હલકા રંગોનો એક પુલ બની જાય. ઝૂમાં છે ને એવો. જાપાનીસ પુલ જેવો.’

‘પછી?’

કેસરી કીડી એને મેઘધનુષ્યના રંગીન પુલ ૫૨ જઈને રમવા લાગી. લીલું પક્ષી એ પુલ પર થઈને ઊડી ગયું. એ રહેતું હતું એ તારા તરફ ઊડી ગયું.’

‘અને બેબી, ડૅડી?’

‘બેબી પણ સૂઈ ગઈ. બેટા, ચાલ, હવે તું પણ સૂઈ જા.’

‘બેબી ક્યાં સૂઈ ગઈ?’

‘એના ડૅડી પાસે. વાર્તા પૂરી થઈ ગઈ.’

‘ચાલો, હવે સૂઈ જવાનું. ગુડ નાઇટ.’

‘ગુડ નાઇટ, ડૅડી!’

રેશમી રિબનો અને હેરપિનો એણે બેબીની બૅગમાં મૂકી. પેન્સિલથી હોમવર્ક કરેલી નોટ મુકાઈ ગઈ. કેસરી કીડી મેઘધનુષ્ય પર રમતી હતી. લીલું પક્ષી ઊડી ગયું હતું. તારાઓના દેશમાં ચશ્માંવાળી બેબી ચશ્માં અને રિબનો અને હેરપિનો કાઢીને ડૅડીને ગુડ નાઇટ કરીને સૂઈ ગઈ હતી. વાર્તા પૂરી થઈ ગઈ હતી.

બેબીને સવારની ફ્લાઇટથી મોકલી દેવાની હતી. એ એકલી જ જવાની હતી. અહીંથી બેસી જવાની હતી નવ વાગ્યે. સાડાબારે મદ્રાસ ઊતરી જવાની હતી. મદ્રાસ પર એની મમ્મી એને લેવા આવવાની હતી.

એનું વૅકેશન પણ પૂરું થવા આવ્યું હતું.

– અને એના ડૅડી સાથે રહી આવવાની કૉર્ટે આપેલી મુદત પણ.

(ચંદ્રકાંત બક્ષી)