નોટ આઉટ @ 98 : વાડીલાલ શાહ

સફેદ કપડાં અને હેટને કારણે મિલમાં વાડીભાઈ-વાઈટ તરીકે ઓળખાતા ગોરા, ઊંચા, વટદાર, કોંગ્રેસી અને ગાંધીવાદી વાડીલાલ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ધનસુરા પાસે આવેલ સાહેબજીના-મુવાડામાં જન્મ. બાળપણ અને પ્રાથમિક શિક્ષણ ધનસુરામાં. એસએસસી સુધીનો અભ્યાસ ન્યુ હાઇસ્કુલ, અમદાવાદમાં, બીએસસી (એમજી સાયન્સ કૉલેજ) બોમ્બે યુનિવર્સિટીમાંથી. અભ્યાસ પછી લાલભાઈ ગ્રુપમાં ચીફ કેમિસ્ટ તરીકે જોડાયા અને ૩૮-૪૦ વર્ષ એ જ ગ્રુપમાં કામ કર્યું. મિલમાં એમનો વટ, મજબુત મનોબળ, શિસ્તના આગ્રહી અને સ્વભાવ થોડો ગરમ, એટલે લોકો ગભરાય પણ ખરા. મિલમાં વોટર-પ્યોરીફિકેશન પ્લાન્ટમાં જુદા-જુદા પ્રયોગો કરી ખર્ચામાં ઘણો ઘટાડો લાવ્યા હતા તેથી તેમના ઉપરીઓ તેમના ઉપર બહુ ખુશ હતા. અરવિંદ મિલથી શરૂઆત કરી, પછી રાયપુર મિલમાં કામ ચાલુ રાખ્યું. મિલમાંથી સમયસર ઘરે આવીને રોજ બેડમિન્ટન રમતા, જેથી તેઓ અને તેમના બાળકોને બેડમિન્ટન રમવું બહુ ગમે છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

6:00 વાગે ઊઠે, બધાંની ચા બનાવી નાહવા જાય. પછી સાયટીમાં જ રહેતા બીજા દીકરાને ત્યાં, જાતે ગાડી ડ્રાઈવ કરીને જાય! પુષ્ટિમાર્ગીય સેવા કરે. દૂધ-નાસ્તો કરી 10:30 વાગે પાછા આવે. કલાક આરામ કરે. પછી છાપુ વાંચે. દોઢ વાગ્યે જમે. થોડો આરામ કરે. ઊઠીને ચા-પાણી કરી દીકરાઓ સાથે ઓફિસે જાય. છ-સાડા છ સુધી ઓફિસે હોય. ત્યાંથી સોસાયટીના ક્લબ-હાઉસમાં આવી મિત્રો સાથે વાતો, ધમાલ-મસ્તી કરે અને પછી ઘેર આવે. આઠ વાગે જમે. બે કલાક ટીવી જુએ અને 10:00 વાગે સૂઈ જાય.

સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહે છે : તેમના સમાજમાં પ્રમુખ છે, કેળવણી મંડળમાં પ્રમુખ છે, ઘરના ચેરીટેબલ-ટ્રસ્ટમાંથી જરૂરિયાતવાળા 40 કુટુંબોને આર્થિક મદદ કરે છે. સોસાયટીમાં પણ સક્રિય છે: હમણાં મુખ્ય-મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સોસાયટીમાં આવ્યા ત્યારે તેમનું સન્માન વાડીભાઈએ કર્યું હતું. દર રવિવારે સાંજે વલ્લભ-સદનમાં દર્શન અને પરિક્રમા માટે જતા. પૌત્રને જોડે લઈ જતા. બાળકને દર્શન અને સાથે સેન્ડવીચનું પ્રલોભન! ઘરમાં દાદા કહે તેમ જ થાય! કોઈ દલીલ નહીં! ઘરનાં લોકો દાદાનું બહુ ધ્યાન રાખે છે.

 

શોખના વિષયો : 

વાંચન તેમનો મુખ્ય શોખ. બેડમિન્ટન રમવાનું ગમે. ફરવાનું ગમે. આખું ભારત ફર્યા છે. રાયપુર મિલમાં હતા ત્યારે ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ કોન્ફરન્સ માટે યુરોપમાં ઈટલી, જર્મની, સ્વીઝરલેન્ડ, લંડન વગેરે સ્થળોએ પણ જઈ આવ્યા છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત એકદમ સરસ છે. દાંત બધા સાબુદ છે. કોઈ રોગ નથી. કાયમચૂર્ણ વર્ષોથી લે છે, એ સિવાય કોઈ દવા લેતા નથી. કાનની થોડી તકલીફ છે. ખોરાક બહુ ઓછો… સવારના નાસ્તામાં દૂધ અને દસમી, બપોરના જમવામાં માત્ર દાળ-ભાત, સાંજે ખીચડી-દૂધ અને ભાખરી. થોડું ચાલે, કસરત કરે, છેલ્લા થોડા વખતથી બંધ છે, પણ વર્ષો સુધી, 10 મિનિટ શિર્ષાસન કરતા! રાયપુરથી શાહીબાગ સાયકલ પર જતા!

યાદગાર પ્રસંગ:  

સાહેબજીના મુવાડામાં ધાડ પડી, ભારે લુંટ-ફાટ થઈ. જોનારામાંથી કોઈ પોલીસના સાક્ષી બનવા તૈયાર નહીં. હિંમતવાન બાળક વાડીલાલ તૈયાર હતો! ઘરના લોકો ગભરાયા. ત્યાંથી શિફ્ટ થઈ અમદાવાદ આવી ગયા! પેન્શન માટે હયાતીનું સર્ટિફિકેટ આપવાને બદલે જાતે જ બીજે માળે આવેલી વીમા કંપનીની ઓફિસ પહોંચી ગયા! વીમા કંપની વાળા ખુશ! આનાથી મોટું સર્ટિફિકેટ બીજું શું હોય?

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

મોબાઇલ અને ટીવી વાપરે. મિત્રો સાથે વાતચીત કરી શકે. ઘરમાં બીજા બધાં મોબાઈલ/ટીવીમાં વ્યસ્ત હોય તો તેમની કોઈ મગજમારી નહીં.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

₹૫૦ના પગારથી નોકરી શરૂ કરી હતી, એમાંથી થોડું બચાવતા! કામની આવડતને લીધે તેમને ઇનામ પણ મળેલું. લોકો ત્યારે ભોળા અને ખુલ્લા દિલના હતા. અત્યારે માણસો અને વાતાવરણ બધું બદલાઈ ગયું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

બે પુત્ર, બે પુત્રી, આઠ પૌત્રો,11 પ્રપૌત્રોનું બહોળું કુટુંબ છે. કુટુંબમાં 14 પિત્રાઈ ભાઈ-બહેનો છે. નાના પ્રસંગે પણ 100 માણસો ઘરમાં ભેગા થઈ જાય! યુવાનો સાથે સંપર્કમાં છે. તેમને બાળકો ગમે છે. ચોથી પેઢીનાં બાળકો તેમની સાથે રમે છે. દાદા તેમને પોતાના વખતની વાતો કરે. બાળકો તેમનું માન પણ બહુ જાળવે.

સંદેશો : 

વેરભાવ રાખવો નહીં. એકબીજા માટે કામ કરી છુટશો તો સુખી થશો. સંયુક્ત-કુટુંબમાં રહેશો તો પ્રગતિ ચોક્કસ થશે. તેમની પ્રગતિ સંયુક્ત-પરિવારને કારણે છે, તેવું તેઓ માને છે.