નોટ આઉટ @ 93 : એનાક્ષી માલવી

ગુજરાતી ભાષામાં “ગણિતમાં કાબેલ બનો” નામની ચાર ચોપડીનો સેટ લખનાર એનાક્ષીબહેન હોરા, જે ૧૯૫૮માં વનરાજ માલવી સાથે લગ્ન કરી એનાક્ષીબહેન માલવી તરીકે ઓળખાયા, તેમની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ અને બાળપણ સુરતમાં. ત્રણ બહેનોનું નાનું કુટુંબ, નાના વડોદરાના મહારાણીના ખાસ ડોક્ટર. સ્ત્રી-શિક્ષણના પ્રણેતા એવા બહાદુર દાદી અનસુયાબેન અને પિતાનો ઘણો પ્રભાવ તેમના જીવન ઉપર છે. સુરતમાં મહિલા વિદ્યાલય અને વનિતા-વિશ્રામ દાદીએ શરૂ કર્યાં. પિતા ડોક્ટર કરશુખરામ વોરા સુરતના લિડિંગ સિટિઝન, થિયોસોફીસ્ટ અને સ્વાતંત્ર સેનાની. તેમને ડૉ. એની બેસન્ટ સાથે સારા સંબંધો. તેમની યાદમાં તેમણે સુરતમાં એની બેસન્ટ હોલની સ્થાપના કરી. એનાક્ષીબેન સુરતથી એમએ વીથ ઈંગ્લીશ ભણ્યાં. જોડેજોડે ફ્રેન્ચ ભાષાનો પણ અભ્યાસ કર્યો. વેકેશનમાં મુંબઈ જઈ થોડું કામ કરતાં. જીએસએફસીમાં 20 વર્ષ (મુંબઈ, સુરત અને અમદાવાદ થઈ) કામ કર્યું. આંખોની તકલીફને કારણે નોકરી છોડી. પતિ વનરાજ માલવી લેખક અને પ્રકાશક. તેમના પિતાએ સુરતમાં ગાંડીવ સાહિત્યમંદિર (ગાંધીજીનાં પુસ્તકો અને બકોર પટેલ માટે જાણીતું) સ્થાપ્યું હતું. વનરાજભાઈએ ગ્રંથ-લોક નામની  પ્રકાશન સંસ્થા શરૂ કરી. ગણિત, અંગ્રેજી તેમજ વ્યક્તિત્વ-વિકાસનાં પુસ્તકોનું પ્રકાશન કર્યું. વ્યક્તિત્વ-વિકાસનાં પુસ્તકોને સારો આવકાર મળ્યો. અંગ્રેજી શીખવા માટે “ઇંગલિશ ફોર યુ” મેગેઝીન શરૂ કર્યું જેમાં એનાક્ષીબહેન સક્રિય હતાં. 2015માં પતિનું અવસાન થયું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠી દૈનિક ક્રિયા પતાવી  છાપુ વાંચે, ઈતર વાંચન કરે. કલાકેક સર્વ-ધર્મ પ્રાર્થના, મંત્રો વગેરે કરે. પછી મિત્રો અને પાડોશીઓ સાથે વાતોચીતો કરે. જમીને થોડીવાર આરામ કરે. વિચારોનું અવલોકન કરે. સાંજે સાડા છ થી સાડા સાત સોસાયટીના કમ્પાઉન્ડમાં ચાલે, બાળકોને મળે, તેમની સાથે વાતો કરે, વાર્તાઓ કરે, તેમને ગણિત શીખવે. બાળકો પણ દાદીને મળવા માટે બહુ ઉત્સાહી.

શોખના વિષયો : 

ક્રિકેટ જોવાનો શોખ આજે પણ એટલો જ છે! વાંચન કરવું ગમે. ગણિત તેમનો પ્રિય વિષય. સંગીતમાં પણ રૂચી, શાસ્ત્રીય-સંગીતમાં ખાસ. સુરતી એટલે ખાવાનું તો ગમે જ!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત નોર્મલ છે. કોઈ મોટી તકલીફ નથી, કોઈ મોટો રોગ નથી.ઉંમરને લીધે થોડો થાક લાગે છે.રોજીંદી પ્રવૃત્તિઓ  ચાલું છે અને બહાર જવાનું પણ ચાલું છે.

યાદગાર પ્રસંગ: 

1940માં, કોંગ્રેસની મિટિંગ માટે સુભાષચંદ્ર બોઝ સુરત આવ્યા હતા. તેમની સાથે તેમનો હાથ પકડીને બે કલાક ગાડીમાં ફરવાનો તેમને અમૂલ્ય લહાવો મળ્યો હતો! ઈન્દુલાલ યાજ્ઞિક અને વલ્લભભાઈ પટેલ સાથે સારા સંબંધ. એની બેસન્ટને કારણે ફિલોસોફર જે. કૃષ્ણમૂર્તિ સાથે પણ સારા સંબંધ. થિયોસોફીકલ સોસાયટીમાં તેઓ સક્રિય. સૌ મહાનુભાવો સાથે વિતાવેલો સમય આજે પણ જીવંત છે. એનાક્ષીબહેનને કોઈનો ડર નહીં. એકવાર રસ્તામાં ચાલતા-ચાલતા એક ભાઈ તેમની સાથે અથડાઈ પડ્યા. ભાઈ કહે: “જોતાં નથી?” એનાક્ષીબહેને પૂછ્યું: “ચશ્માં કોણે પહેર્યાં છે? તમે નથી પહેર્યાં તો તમારી જવાબદારી સરખું જોઈને ચાલવાની નહીં?” પેલા ભાઈ પણ હસી પડ્યા અને જતા રહ્યા!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરે છે. તેમનું માનવું છે કે ટેકનોલોજી અને શોધખોળોને લીધે ઘણી પ્રગતિ થઈ રહી છે. પણ તેનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે તે કંટ્રોલમાં લેવો જોઈએ.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘણો ઘણો ફેર પડી ગયો છે! પહેલાં મર્યાદિત શિક્ષણ હતું અને શીખવાનું પણ ઘણું મર્યાદિત હતું. ક્યારેક થાય કે થોડા મોડાં જન્મ્યા હોત તો આ બધું, નવી ટેકનોલોજીથી શીખી શકત! ત્યારના માણસો ડાઉન-ટુ-અર્થ હતા. અત્યારના યુવાનો સહેજ સફળ થાય તો તેમને ગર્વ આવી જાય છે! પહેલાના માણસો લાગણીશીલ વધારે હતા. જૂના મિત્રોને, સગા-સંબંધીઓને, ઓળખીતાઓને યાદ કરે, જ્યારે આજના યુવાનો લાગણી-શૂન્ય બની ગયા છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

તેઓ ત્રણેય પેઢી સાથે સંકળાયેલાં છે. વૃદ્ધો, યુવાનો અને બાળકો સાથે તેમને સમય વિતાવવો ગમે છે. તેઓ રોજ સાંજે સોસાયટીમાં ચાલવા નીકળે ત્યારે બાળકો અને યુવાનોને મળે. તેમને વાર્તા કહે, ગણિત શીખવે. યુવાનો અને બાળકોને તેમની આ પ્રવૃત્તિ બહુ ગમે.

સંદેશો :  

સંસ્કારી કુટુંબમાં જન્મ થયો અને જીવન ગયું તેનો આનંદ છે. “માણ્યું તેનું સ્મરણ કરવું તે ય છે એક લા’ણું” એમ માને છે. તેમના મતે જીવનમાં સફળતા માટે બે જરૂરી ગુણો છે: ધીરજ અને ખંત (પેશન્સ અને પર્સીવરન્સ). યુવાનોએ તે કેળવવા પડશે.