નોટ આઉટ @ 92 : નટુભાઈ પરીખ

ગુજરાત-રાજ્ય લલિત-કલા એકેડેમીના ગૌરવ-પુરસ્કારથી સન્માનિત સિદ્ધહસ્ત છબીચિત્ર (પોર્ટ્રેટ) તથા દ્રશ્યચિત્ર (લેન્ડસ્કેપ) કલાકાર નટુભાઈ પરીખની વાત સાંભળીએ તેમને પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ખેડા જિલ્લાના બાંધણી ગામે જન્મ. ત્રણ ભાઈ (જાણીતા કલાકાર જયંત પરીખ અને મનુ પરીખ) એક બહેનનું કુટુંબ. દાદા રવિશંકર મહારાજના મિત્ર. પિતાને ગામમાં પરચુરણ દુકાન. ધોરણ સાત સુધી ગામમાં ભણ્યા. પછી અમદાવાદ સીએન વિદ્યાલયમાં ભણ્યા. જીવનમાં સીએન વિદ્યાલયના વાતાવરણ અને ફિલોસોફીનો પ્રભાવ સતત રહ્યો. ગુજરાતી ભાષામાં BA કર્યું, કલાકાર એન.એસ.બેન્દ્રે પાસે ભણવા વડોદરાથી Art Criticismમાં MA કર્યું! અનેક સેમિનાર-શો-એક્ઝિબિશન-શિબિરમાં કામ કર્યું. આનંદી અને ઉત્સાહી નટુભાઈ હસતાંહસતાં કહે છે: “ચિત્રોએ ઘડપણમાં પૈસાદાર કર્યો અને ગાંધીજીનાં ચિત્રોએ ઘર કરાવ્યું!” રાજભવનનાં ઘણાં પોર્ટ્રેટ તેમણે બનાવેલાં છે. શામજીભવનનાં ઘણાં ચિત્રો પણ તેમણે બનાવેલાં છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠી નિત્યક્રમ કર્યા પછી ચા-પાણી કરે. મન સવારે ફ્રેશ હોય એટલે સવાર-સવારમાં ચિત્રો કરવા બેસી જાય. ક્યારેક કોઈ શિષ્ય આવી ચડે તો પોતાના પ્રિય સ્થળ તારંગા પહોંચી જાય! એક ઠેકાણે બેસી જાત-જાતનું ચિત્ર-સર્જન કરે! વોટર-કલરના કલાકાર, પણ સાધનો બદલી ચિત્રો કર્યાં કરે. 9 વર્ષથી 90 વર્ષ સુધી ચિત્રો કર્યાં છે! જમીને થોડો આરામ કરે. બપોરે ચા-પાણી કરી ચાલવા જાય, કલાકારો અને વિશાળ મિત્ર-વૃંદના સંપર્કમાં રહે. જરૂરતમંદ લોકોને મદદ કરે. રાત્રે જમીને 10:00 વાગે ટીવી જોતાજોતા સૂઈ જાય. દીકરો ગ્રાફિક-આર્ટસનું કામ કરે છે. કુટુંબમાં એક દીકરો, બે દીકરી અને સાત પૌત્ર-પૌત્રીઓ છે. દીકરો-વહુ તેમનું ઘણું ધ્યાન રાખે છે.

શોખના વિષયો : 

ફોટોગ્રાફીનો શોખ, જૂની-પુરાણી વસ્તુઓ ભેગી કરવી ગમે, ગાર્ડનિંગનો શોખ, કુદરતને માણવાનું બહુ ગમે, નદી કિનારે, પર્વત પર રહેવાની મજા આવે! પીંછી અને કલામના કલાકાર! લખવાનું અને વાંચવાનું બહુ ગમે! ચાર પુસ્તકો લખ્યાં છે. ‘કુમાર’ અને ‘નવ-ચેતન’માં કળા-પરિચય અને કળા-વિવેચનનાં લેખો નિયમિત લખતા. ખાવા-પીવાનો શોખ. લાડુ-ભજીયાં આજે પણ બહુ ભાવે છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. ઘરમાં છૂટથી હરે-ફરે છે. કાનની થોડી તકલીફ છે. ડોક્ટરનો એક પૈસો પણ ખર્ચવો પડતો નથી! નેચરોપથીમાં માને છે. “જે ઓછું થાય તે વધારે જીવે” એવું માને! સવારે નાસ્તામાં એક ખાખરો અને બે ખજૂર લે. કાજુ, અંજીર, દ્રાક્ષ, પિસ્તા પણ ખાય. સાંજે એક-દોઢ ભાખરી અને દૂધ લે. જમવામાં ગળ્યું તો જોઈએ જ! કંઈ ન ભાવે તો સુખડી લઈ લે!

યાદગાર પ્રસંગ:  

સીએન વિદ્યાલયે તેમનું જીવન-ઘડતર કર્યું છે. સ્કૂલમાં પણ ચિત્રકાર તરીકે જ ઓળખાતા! 1949માં શાળામાં મહામંત્રી થયા. સંજોગો-વશાત્ હોસ્ટેલમાં એડમિશનની તકલીફ થઈ ત્યારે આચાર્ય “સ્નેહ-રશ્મિ”ને ઘેર મહિનો રહ્યા! વર્ષો પછી વડોદરામાં ઉમાશંકરભાઈના વ્યાખ્યાનમાં ઝીણાભાઈ (“સ્નેહ-રશ્મિ”)નો ભેટો થઈ ગયો. ઝીણાભાઈએ પાછા સીએન કલા-મહાવિદ્યાલયમાં બોલાવી લીધા! પહેલીવાર રસિકલાલ પરીખના ચિત્ર-વર્ગમાં પગ મુક્યો અને સામે આઠ ફૂટનું ચિત્ર (“બુદ્ધનો ગૃહત્યાગ”) જોઈ તેમની કંઠી પહેરી લીધી! તેમની પાસેથી ચાર વર્ષ ચિત્ર-કળા શીખ્યા.

કલાનો જીવ, કુદરતી વાતાવરણ બહુ ગમે. એકવાર ગોવા ગયા હતા. રિક્ષાવાળાને પાંચ રૂપિયા આપે. તે જ્યાં ઊતારે ત્યાં ઊતરી ચિત્રો કરે! તેમની તે ટુરનાં બધાં જ ચિત્રો મુંબઈમાં વેચાઈ ગયાં! પત્ની શારદાબહેનનું 2001માં અવસાન થયું. તારંગા કાયમ પત્ની જોડે જાય. તેઓ ચિત્ર દોરે અને પત્ની લાકડી લઈ વાંદરાને ભગાડે! એક વાર મોડલ આવ્યાં ન હતાં તો પત્નીનું યાદગાર ચિત્ર બનાવી દીધું!

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

કલાના અને ફોટોગ્રાફીના વિષયને જરૂરી ટેકનોલોજીનો ઉપયોગ સરસ કરે છે, તથા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

સામાન્ય લોકો ચિત્રોને સમજતા નથી. તેમને કલામાં રસ પણ નથી. સારા ચિત્રોની કોપી હોટલોમાં મૂકી હોય તેને જ લોકો સાચા ચિત્રો માને છે! પહેલા વસ્તુ-વિષય અને કલાકારનું મહત્વ હતું. હવે વિષય વગરની કલા છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

કલા-મહા-વિદ્યાલયમાં 28 વર્ષ વિદ્યાર્થી-પ્રિય કલા-ગુરુ તરીકે યુવા કલાકારોમાં કલાના સંસ્કાર આપ્યા છે. તેમની પાસે ચિત્ર-કલા શીખવા ઘણા યુવાન વિદ્યાર્થીઓ આવે છે. તેમના સેમિનાર-શો-એક્ઝિબિશન જોવા ઘણા યુવાન-કલાકારો આવે એટલે યુવાનો સાથે સારા સંપર્કમાં છે.

સંદેશો :  

કલાકારો માટે : ચિત્ર વેચાય કે નહીં, પણ કામ ચાલુ રાખો. કામ સારું હશે તો ક્યારેક તેની કિંમત થશે જ! માટે નિરાશ થશો નહીં. કલાનું કામ ચાલુ રાખો!