નોટ આઉટ @ 85 : પ્રભુદાસ વિઠલાણી 

“પાણીને ચાવો અને ખોરાકને પીઓ” એવા અદભુત નિયમના આગ્રહી અને પ્રાણાયામ-યોગાસન-ધ્યાન-સત્સંગમાં રચ્યા-પચ્યા રહેનાર પ્રભુદાસ વિઠલાણીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ દ્વારકાના વેપારી કુટુંબમાં. ઘરમાં ગૌશાળા હતી, પિતાજી ઘી બનાવી ઘોડા પર વેચવા જતા. છ ભાઈ અને એક બહેનમાં તેઓ સૌથી નાના. શાળાનો અભ્યાસ ઓખા, દ્વારકા અને છેલ્લે અમદાવાદ નૂતન હાઇસ્કુલમાં.એસએસસી પછી આઈટીઆઈની પહેલી બેચમાં તેઓ સિવિલ એન્જિનિયરિંગનું  ભણ્યા. તરત અરવિંદ મીલમાં સુપરવાઇઝર તરીકે નોકરી મળી ગઈ. 32 વર્ષ સુધી અરવિંદ મિલમાં કામ કરી રિટાયર થયા. રામદેવબાબા પાસેથી યોગાસન શીખ્યા પછી 40 વર્ષથી તેઓ નિયમિત પ્રાણાયામ કરે છે. રામદેવબાબાના ટીવી પ્રોગ્રામમાં પણ ભાગ લીધો છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ઇસ્કોનમાં સક્રિય સેવાઓ આપી છે. વ્રજભૂમિમાં નિયમિત ફૂલની સેવા આપી છે. પુનિત મહારાજ સાથે ઘણું કામ કર્યું છે. ફૂટપાથ પર રહેનારા ગરીબોને ભાખરી વહેંચવાના કામમાં સક્રિય હતા. ગરીબોને ધાબળાને બદલે કંતાન આપવાનું શરૂ કર્યું. હરિભાઈ કોઠારી સાથે સત્સંગ કર્યો. તેઓ નિયમિત ચાલવા જાય છે. તેમના મતે ચાલનારાઓ ચલાવના નિયમો જાણતા નથી. બગીચા ચાલનારાઓથી ઊભરાય છે અને બગીચાની બહાર ખાવાની લારીઓ પણ માણસોથી ઊભરાય છે!!

તેઓ સવારે 4:30 વાગે ઊઠે. તાંબાના લોટામાં રાતથી રાખેલું એક લીટર પાણી શાંતિથી પીએ. 20 મિનિટ પછી નિત્ય-ક્રિયા કરી પ્રાણાયામ-ધ્યાન-ઓમકાર-કપાલભાતિ-ભ્રસ્ત્રિકા-ભ્રામરી- અનુલોમ-વિલોમ વગેરે આસનો કરે. ઘરની નજીક રામજી મંદિર છે, એટલે ત્યાર પછી મંદિરમાં જઈ ભજન-કીર્તન કરે. 1:00 વાગે જમે. બપોરે બે કલાક આરામ કરે. રોજના બે પાના રામ-નામ-મંત્ર લખે. 5:30 વાગે ચા પીને ટીવી જુએ. હમણાં તો IPL મેચ હતી એટલે રોજની મજા હતી! નેશનલ વેટરન્સ (80 વર્ષથી મોટા)ના  ટેબલ-ટેનિસ ચેમ્પિયન છે! ખેલ-મહાકુંભમાં ચાર ઇનામો જીત્યા છે! ધાર્મિક-વાંચન ઘણું કરે છે.

શોખના વિષયો : 

ટેબલ-ટેનિસ રમવાનું બહુ ગમે છે. પ્રાણાયામ-ધ્યાન-આસન વગેરે નિયમિત કરે છે. વાંચનનો બહુ શોખ છે. સત્સંગ પણ ગમે છે. પ્રવાસનો ઘણો શોખ છે. દર મહિને એકવાર શ્રીનાથજી અને જુદી જુદી બેઠકોએ જાય છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

દાંતનુ ચોખઠું છે અને કાનનું મશીન વાપરે છે, પણ બીજી કોઈ તકલીફ નથી. પોતાની સારી તંદુરસ્તીનું શ્રેય તેઓ પ્રાણાયામ-યોગાસન-ધ્યાનને આપે છે.  

યાદગાર પ્રસંગ:  

ઇસ્કોનના મેનેજિંગ ડાયરેક્ટર જસુમતીનંદનદાસજી સાથે રહીને ઇસ્કોનની વ્યવસ્થામાં સાથ આપ્યો તે યાદ છે. હિપોલીન-ગ્રુપ સાથે દર મહિનાની નવમી તારીખે 140 કુટુંબોને ઘરનું સીધું આપતાં તે પ્રસંગના અનુભવો બહુ યાદગાર છે. એકવાર તેઓ પ્રાણાયામના પ્રોગ્રામ માટે ટ્રેનમાં ગયા હતા. તેમની જોડે બેઠેલાં બહેનનું વજન આશરે 140 કિલો હતું. તેમણે દુધીનો પ્રયોગ કરવા કહ્યું. છ મહિનામાં તે બહેનો ફોન આવ્યો કે તેમનું વજન 80 કિલો થઈ ગયું છે અને નવા કપડાં કરાવવા પડયા છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

મોબાઈલ અને whatsappનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. ટીવી-મોબાઈલ ઉપર સમાચાર અને ખેલકૂદને લગતી માહિતી મેળવી શકે છે. ZOOM પ્લેટફોર્મ પરથી યોગના ક્લાસ લઈ શકે છે. તેમનું માનવું છે કે નવી ટેકનોલોજી વાપરીને દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે. તેને શીખ્યા વગર ચાલે એવું નથી! પરદેશ બાળકો સાથે વાત કરવી હોય તો નવી ટેકનોલોજીથી દરેક ક્ષણે ટચમાં રહેવાય છે. શું ખાધું, શું કીધું, ક્યાં ફરવા જાય છે તે બધી માહિતી તેના દ્વારા મળી શકે છે! તેમને બે દીકરા અને એક દીકરી છે તથા પાંચેય પૌત્ર-પૌત્રીઓ પરદેશ રહે છે.

 શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘણો ફેર પડ્યો છે. પહેરવેશથી જ શરૂઆત થાય! ઘરમાં દીકરી હોય કે વહુ, તેના પહેરવેશથી હવે ખબર પડે નહીં. પશ્ચિમની સંસ્કૃતિ આપણે અપનાવી અને આપણી વધારે સારી સંસ્કૃતિ તેમણે અપનાવી! આજકાલ ખાવા-પીવામાં પણ ફેરફાર થવા લાગ્યા છે. અહીં નોનવેજ ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે, જયારે પશ્ચિમમાં લોકો શાકાહાર તરફ વળી રહ્યાં છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

તેમના રમત-ગમત, ટેબલ-ટેનિસ અને અમ્પાયરિંગના શોખને કારણે તેઓ બાળકો અને યુવાનોના સતત સંપર્કમાં રહ્યા છે. તેમનું માનવું છે કે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના યુવાનો બહુ આગળ આવી ગયા છે.

સંદેશો : 

યોગ-પ્રાણાયામ-ધ્યાન નિયમિત કરો.ચાલવાના નિયમો પાળીને રોજ મોર્નિંગ-વોક કરો!

(તસવીર: મહેન્દ્ર દલવાડી)