નોટ આઉટ @83 : કલ્યાણીબહેન દેસાઈ 

સાહિત્ય-વૃંદ, વાર્તા-પ્રતિલિપ, વિશ્વકોષ, જેવી સાહિત્યની સંસ્થાઓમાં સતત વ્યસ્ત રહેનાર અને સ્ટોરી-મિરર તથા વડનગર નાગર-મંડળ મેગેઝીન (મોસાળ)નાં વાર્તા-લેખિકા બેંગ્લોરનાં કલ્યાણીબહેન ધવલભાઈ દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

કલ્યાણીબહેનનો જન્મ વડોદરાના નાગર કુટુંબમાં. ત્રણ બહેન, એક ભાઈનું મધ્યમ-વર્ગનું કુટુંબ. પિતાને ગવર્મેન્ટ જોબમાં વારંવાર બદલી થતી, પણ તેમનો અભ્યાસ વડોદરામાં. એમએસ યુનિવર્સિટીમાંથી બીએસસી હોમ-સાયન્સમાં કર્યું. સુરતથી ઇંગ્લિશ અને વિજ્ઞાન જેવા અસામાન્ય કોમ્બિનેશન સાથે બી.એડ. કર્યું. પતિ ધવલ દેસાઈ આઇડીપીએલમાં નોકરી કરતા. તેમની સાથે તેઓ ઋષિકેશ, ઇન્દોર, કલકત્તા, વડોદરા, બેંગ્લોર એમ ઠેકઠેકાણે ફર્યાં છે. શાળાની નોકરીમાં કલ્યાણીબહેન કાયમ પ્રવૃત્ત રહેતાં. પતિનું 2018માં ઓચિંતું અવસાન થયું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે છ વાગે ઊઠે. ત્રણ ગ્લાસ પાણી પીએ. 45 મિનિટ માતાજીના પાઠ કરે. પછી ચા-નાસ્તો કરે. ઘરનું નાનું-મોટું કામ કરે. દીકરો-વહુ તેમને કામ કરવાં દેતાં નથી! ઘરમાં 30 મિનિટ ચાલે. જો તડકો-વરસાદ ન હોય તો ખુલ્લામાં પણ થોડું ચાલે. થોડું વાંચન-લેખન કરે, ફોન પર મિત્રો અને સગા-વહાલા સાથે વાતો કરે. જમીને આરામ કરે. ત્રણ વાગ્યે વિદ્યાર્થીઓનાં ટ્યુશન લે. સાંજે લેપટોપની મદદથી કસરત કરે. સૂર્ય-નમસ્કાર, યોગ, પ્રાણાયામ, મેડીટેશન…..બધું થઈને લગભગ દોઢ કલાક થાય. જમીને થોડું ચાલે, ટીવી જુએ, ક્યારેક પાડોશી અને આસપાસનાં બાળકોને ભેગા કરી જુદા-જુદા પ્રોગ્રામ કરાવે! હાલ તેઓ પોતાના અનુભવો પર આધારિત એક નવલકથા (GIVE THEM SOME SUNSHINE) લખી રહ્યાં છે.

શોખના વિષયો : 

વાંચન-લેખન કરવું ગમે. ગાર્ડનીંગ અને ફ્લાવર એરેન્જમેન્ટ કરવાનું ગમે, ઘર સજાવવાનો બહુ શોખ, રસોઈ કરવી પણ ગમે. સંગીત અને ગરબાનો શોખ. તહેવારો ઉજવવા ગમે. બહુ જ સોશિયલ છે. કુટુંબમાં બધાંની વર્ષગાંઠ યાદ રહે, અને સમયસર શુભેચ્છાઓ મોકલે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ જેવી કોઈ બીમારી નથી. પગની તકલીફ છે,પોતાનું કામ જાતે કરી લે છે, પણ હવે લાંબો સમય ઊભાં રહેવાતું નથી. રોજની ચાલવાની ટેવ અને યોગ-પ્રાણાયામ-મેડીટેશન તેમની સારી તંદુરસ્તીનું રહસ્ય છે! પુત્રવધૂ બહુ સમજદાર છે, તેમને સમજી શકે છે. સાસુ-વહુના સંબંધો બહુ પોઝિટિવ છે.

યાદગાર પ્રસંગ:  

પાડોશમાં અમેરિકાથી એક ભારતીય કુટુંબે સ્થળાંતર કર્યું. બાળકોને સ્કૂલમાં દાખલ તો કર્યાં પણ હિન્દી શીખવું ફરજિયાત. શિક્ષકોએ મા-બાપને ચેતવણી આપી કે બાળકોને છ મહિનામાં હિન્દી આવડવું જોઈએ! મા-બાપ પરેશાન! કલ્યાણીબહેને બીડું ઝડપી લીધું! કોઈપણ ફી લીધા વગર, અમેરિકાથી આવેલાં બાળકોને ક-ખ-ગથી શરૂ કરી સરસ હિન્દી બોલતાં શીખવાડી દીધું. કલકત્તા, ઈન્દોર, વડોદરા… તેમણે જ્યાં પણ કામ કર્યું ત્યાંથી તેમને કોઈ છોડવા તૈયાર નહીં. ઈન્દોરમાં પતિની ચાલુ વર્ષે બદલી થઈ. શાળાના આચાર્યે તેમને શાળાની પાસે નાનું ઘર શોધી આપ્યું અને બીજી સગવડો કરી આપી જેથી કલ્યાણીબહેન દીકરી સાથે ત્યાં રહ્યાં અને વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો ઘણો સારો ઉપયોગ કરે છે. લેખન માટે વિષય-વસ્તુ અને અન્ય માહિતી શોધવા, બાળકોને યોગ્ય રીતે ભણાવવા તથા યોગ, કસરતો, મેડીટેશન માટે રોજનું લગભગ ત્રણથી ચાર કલાક લેપટોપ ઉપર કામ કરે છે!

 

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજકાલ યુવાનોને બહુ કામ રહે છે, ઘણીવાર રાતના પણ કામ કરતા હોય છે. યુવા માતા-પિતા પોતાનાં કામમાં વ્યસ્ત હોય છે. બાળકો માટે મા-બાપ પાસે સમય નથી, મા-બાપ બાળકોને સમજતાં નથી. આજકાલ છોકરાંઓની સહનશક્તિ ઘટી ગઈ છે. વાત કોઈવાર આત્મહત્યા સુધી પહોંચી જાય છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

વર્ષોથી તેમણે બાળકો સાથે કામ કર્યું છે. બાળકો માટે તેમને બહુ પ્રેમ. તેમને એક દીકરો, એક દીકરી, એક પૌત્ર અને ત્રણ પૌત્રીઓ છે. પૌત્ર-પૌત્રીઓને તેમણે ભણાવ્યાં છે. તેમની સાથે સારું  ફાવે છે. તેમના મતે, બાળકો સાથે ક્યારે ય ખરાબ શબ્દો વાપરીને વાત કરવી જોઈએ નહીં. દરેક બાળકમાં કંઈક તો સારું હોય જ છે, તે શોધી કાઢો. બાળકોને (પ્રેમ)તડકો આપશો તો ફૂલની જેમ ખીલી ઊઠશે!

સંદેશો :  

આજનો માણસ આત્મ-કેન્દ્રીય બની ગયો છે. વડીલો, માતા-પિતા બાળકોને પૂરતો સમય આપે, બાળકોને સમજે તે માટે આખા કુટુંબે અઠવાડિયામાં એકવાર સાથે બેસીને જમવું જોઈએ,વાતો કરવી જોઈએ, એકબીજાના પ્રશ્નો સમજવા જોઈએ, એકબીજાની લાગણીઓ તપાસવી જોઈએ. એકલાં રહેતાં વડીલો માટે થોડો સમય કાઢવો જોઈએ, તેમની સાથે વાત કરવી જોઈએ.