નોટ આઉટ @ 82 યોગેન્દ્રભાઈ જાની

લોકભોગ્ય ગુજરાતીમાં, વિજ્ઞાનના વિષયોમાં 70થી વધુ પુસ્તકો લખનાર તથા ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય એકેડેમી તરફથી અનેક પુરસ્કાર મેળવનાર યોગેન્દ્રભાઈ જાનીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અને પ્રાથમિક-અભ્યાસ વડોદરામાં, પછી અમદાવાદ સીએન વિદ્યાલયમાં, બીએસસી અને એમએસસી ગુજરાતી યુનિવર્સિટીમાં. સાહિત્યનો શોખ, ભણ્યા વિજ્ઞાન-શાખામાં, એટલે ઘણાં વિષયોનો પરિચય મળ્યો. અભ્યાસ પછી વડોદરા નોકરી લીધી, પણ પિતાજીનું મૃત્યુ થતાં પાછા અમદાવાદ આવી ગયા. જોકે નોકરીમાંથી તેમની સિનિયર-કેમેસ્ટ તરીકે વડોદરા ટ્રાન્સફર થઈ. તેમણે લખવાનું શરૂ કર્યું. નવચેતન, નવનીત, સમર્પણ જેવાં મેગેઝીનોમાં તેમના લેખ આવતા. વૈજ્ઞાનિકોનાં જીવન-ચરિત્ર લખ્યાં. 1978માં અમદાવાદ કેડીલામાં આવ્યા. “વિજ્ઞાનની વિભૂતિઓ” નામનું પુસ્તક સહલેખનમાં લખ્યું. “ચંદ્રયાત્રા” નામનું  પહેલું સ્વતંત્ર પુસ્તક લખ્યું જેને ગુજરાત સરકારનું ઇનામ મળ્યું! ગુજરાતીઓને વેપાર તરફ પ્રેમ વધારે અને વિજ્ઞાનમાં કાચા! એટલે બાળકો સમજી શકે તેવા વિજ્ઞાનના લેખ લખવાનું તેમણે શરૂ કર્યું. પછી તો લેખન-કાર્ય અને પુરસ્કારો વધતાં જ ગયાં! 2002માં રીટાયર થઈને અમેરિકા સ્થિર થયા છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સાડા-પાંચે ઊઠે, ચા-પાણી અને નિત્ય-કર્મ પતાવી, દવાઓ લઈ, લેપટોપ પર કામકાજ શરુ કરે. ઈમેલ, facebook વગેરેનું પહેલું રાઉન્ડ પતાવી પૂજા-પાઠ કરે. 10:30 વાગે છાપા, જ્ઞાન-વિજ્ઞાનના ગુજરાતી પુસ્તકોનું વાંચન-લેખન કરે. બપોરે જૂની ફિલ્મનાં ગીતો સાંભળે. આખો દિવસ તેમનું લેખન-વાંચન ચાલતું હોય! રાત્રે જમ્યા પછી એક ઇંગ્લીશ પિક્ચર અચૂક જોવાનું!

શોખના વિષયો : 

વાંચન-લેખન પહેલો શોખ. જૂનાં ફિલ્મી-ગીતો સાંભળવા બહુ ગમે. ઈંગ્લીશ પિક્ચર જોવું પણ ગમે. આયુર્વેદ અને ઓલ્ટરનેટ મેડિસિન વિશે, સાધુ-સંતો અને સ્થળો વિશે વાંચવાનું ગમે. ફરવાનો શોખ છે. યુરોપ-અમેરિકા જોઈ લીધાં છે, ભારત લગભગ આખું જોઈ લીધું છે, પણ કાશ્મીર જોવાનું  બાકી છે.

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત ચાલે તેવી છે, ડાયાબિટીસ છે, વધારે ચાલી શકાતું નથી. હૃદયમાં છ સ્ટેન્ટ મૂકેલા છે! પણ લખવામાંથી સમય  મળતો નથી કે તબિયત વિશે વિચારી શકાય! બેડરૂમ ઉપરના મળે છે તેથી દાદર ચડવો પડે! તે બહાને કસરત થઈ જાય! સામાજિક-કામોમાં અને લેખન-કાર્યમાં પત્નીનો પૂરેપૂરો સહકાર મળે છે.

યાદગાર પ્રસંગ: 

બાળપણમાં બાળ-સંદેશ અને ઝગમગ વાંચતા ત્યારથી મનમાં ઈચ્છા કે છાપામાં નામ આવવું જોઈએ! એકવાર તેમણે માતાના નામે લેખ લખ્યો જે છાપામાં છપાયો. બધાંએ માતાને અભિનંદન આપ્યા ત્યારે ખબર પડી કે આ કોનું કામ હતું! સીએન વિદ્યાલયમાંથી બાલારામ પ્રવાસે ગયા ત્યારે ડૂબતા મિત્રને દલાલસાહેબે જાનના જોખમે બચાવ્યો તે કેમ ભૂલાય? લગ્નના 9 વર્ષે દીકરાનો જન્મ થયો ત્યારે 16 kg પેંડા વહેચ્યા હતા! તેમના પ્રથમ પુસ્તક “ચંદ્રયાત્રા”ને ગુજરાત સરકારનું ઇનામ મળ્યું તે પણ યાદગાર છે.

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

લેખો-ચોપડીઓ લખવા, વાંચવા, સર્ચ કરવા તેઓ  ટેકનોલોજી ફુલફોર્મમાં વાપરે છે. યોગેન્દ્રભાઈને ટેકનોલોજીનો ઉપયોગ કરતા તેમનાં બાળ-શિક્ષકોએ (પૌત્ર-પૌત્રીઓએ) શીખવાડ્યું! પૌત્રી આઠ વર્ષની હતી ત્યારે તેણે યોગેન્દ્રભાઈને કોમ્પ્યુટર ચલાવતાં શીખવ્યું. છ વર્ષની પૌત્રીએ વિડિયો પાડતાં શીખવ્યું! પૌત્રે મોબાઈલનો ઓપ્ટીમમ ઉપયોગ કરતા શીખવાડ્યું. અત્યારે ઝૂમ-મીટીંગ હોય તો પૌત્ર બધી ગોઠવણ કરી આપે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ત્યારનાં શિક્ષકો પ્રેમાળ હતાં, તેમનામાં આત્મીયતા હતી, તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમને માન આપતાં. આજે શિક્ષકો મિત્રો જેમ વર્તે છે તેથી વિદ્યાર્થીઓ તેમને માન આપતાં નથી. ઘરમાં પણ એવું જ છે! પૌત્રીને દાદાને પગે લાગવાનું કહે તો તેને હસવું આવે છે! આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યાં છીએ. આજના યુવાનોને વડીલોના નહીં પોતાના અનુભવમાંથી શીખવું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

2 પૌત્ર, 2 પૌત્રી સાથે રહીને જીવનનો આનંદ માણે છે. યુવા-વાચકોને લીધે બીજી પેઢીના ટચમાં છે. યુવાનોને લાગે છે: “ઘરડાંઓને  કંઈ ખબર પડે નહીં!” અને ઘરડાંઓ કઈ શીખવા માંગતાં નથી, તેથી વડીલોનું માન ઘટતું જાય છે. રક્ષાબંધનને દિવસે બહેને ભાઈને કહેવું જોઈએ: “મા-બાપને સાચવજે! ભાઈએ બહેનને કહેવું જોઈએ: “સાસુ-સસરાને સાચવજે!”

સંદેશો :  

માણસ જન્મ પહેલાંથી મા-બાપ, શિક્ષકો, કુટુંબીજનો તથા સમાજ પાસેથી, લેતો જ રહે છે. તેણે આવડત પ્રમાણે, સમાજને કંઈક પાછું આપવું જોઈએ. ભગવાને માણસને મહેનત કરવા હાથ-પગ આપ્યા છે, વિચારવા મગજ આપ્યું છે. તેને કંઈક કરવા અહીં મોકલ્યો છે. પોતાની આવડત શોધી, પ્રયત્નો કરો અને જીવનનું ધ્યેય પ્રાપ્ત કરો!